ડીસા : ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર એલિવેટેડ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં આખોલ ચાર રસ્તા પાસે પાર્લર ચલાવતા વિજયસિંહ દરબાર અને સુરેશસિંહ દરબાર બાઈક લઈને ભોયણ ગામ તરફ જઈ રહ્યા હતા. એલિવેટેડ બ્રિજ પૂરો થતાં અચાનક બાઈક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક આગળ જઈ રહેલી ટ્રક પાછળ ઘૂસી જતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકસવાર બંને યુવકો રોડ પર પટકાતા લોહીલુહાણ થઈ જતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતાં.
રાત્રિના સમયે બે બાઈક સવાર યુવકો ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતાં. આ બનાવની જાણ થતા જ અમારો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક રાહતની કામગીરી શરૂ કરી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી...શક્તિસિંહ ગોહિલ (પીઆઇ, ડીસા દક્ષિણ પોલીસ)
મૃતદેહોનું સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ : બનાવને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી અને અદાણી કંપનીની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી. આજુબાજુના લોકોના ટોળેટોળા સહિત તંત્રની ટીમો આગળની કામગીરીમા લાગી હતી. ડીસા પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક આખે આખું બાઈક ટ્રક નીચે ઘૂસી જતા કચ્ચરઘાણ વળી ગયો હતો અને આશાસ્પદ બંને યુવકો વિજયસિંહ દરબાર અને સુરેશસિંહ દરબારના મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો.
અકસ્માતના બનાવમાં વધારો : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બનાવમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં મોટાભાગના અકસ્માતો રાત્રિના સમયે થતા હોય છે જે મોટા વાહનોને ઓવરટેક કરવામાં થતા હોય છે. તો બીજી તરફ બાઈકસવારો હાઈ સ્પીડમાં ચલાવતા હોવાને કારણે પણ વારંવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઇવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે જેમાં અત્યાર સુધીમાં કેટલાક લોકોએ નાની મોટી ઇજાઓ પહોચી છે તો કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આવો જ એક બનાવ ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઇવે પર સામે આવ્યો છે જેમાં ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર એલિવેટેડ બ્રિજ પાસે આ અકસ્માત સર્જાયો હતો.