ગુજરાત સરકાર દ્વારા આમ તો વિદ્યાર્થીઓ ભણતરની સાથો સાથ રમત-ગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ હવે વિદ્યાર્થીઓની જેમ શિક્ષકો પણ રમતો વિશે જાણતા થાય અને પોતાનું રમતક્ષેત્રે કૌશલ્ય બતાવી પોતાના જિલ્લાનું નામ રોશન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેમાં વિકાસ કમિશ્નર ગુજરાત રાજ્ય દ્વારા પ્રેરિત ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા ગુજરાત રાજ્યમાં તમામ પંચાયત સેવાના કર્મચારી ભાઈઓ અને બહેનો માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ટીડીસી ગ્રાઉન્ડમાં આ ટુર્નામેન્ટ યોજાઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાંથી વિવિધ શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો અને શિક્ષિકાઓએ મોટી સંખ્યામાં વિવિધ રમતોમાં ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. સૌપ્રથમવાર ગુજરાત સરકાર દ્વારા આ રીતે રમતોત્સવનું આયોજન કરવામાં આવતા શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમ નાનપણમાં વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ રમત રમતા હોય તે જ રીતે શિક્ષકોએ આ રમતોત્સવમાં ભાગ લઇ આનંદ અનુભવ્યો હતો. જિલ્લાકક્ષાની રમતમાં વિજેતા થનાર ખેલાડીઓનું સિલેક્શન થશે. તેમજ આગામી સમયમાં રાજ્ય કક્ષા ખાતે યોજાનારી વિવિધ રમતોમાં શિક્ષકો ભાગ લેવા માટે જશે.