ડીસા : ડીસા તાલુકાના રસાણા ગામ પાસેથી ઘેટા અને બકરા ભરીને ટ્રક જઈ રહી હોવાની માહિતી ડીસા તાલુકાના આખોલ ગામના પૂર્વ સરપંચ ભરતભાઈ ધુંખને થતા તેઓએ રસાણા ગામ પાસેથી ટ્રકનો પીછો કર્યો હતો પરંતુ ટ્રક ડ્રાઇવરને તેની જાણ થતા ટ્રકને પાલનપુર તરફ ભગાડી મૂકી હતી. જેથી ભરતભાઈ દ્વારા આ અંગેની જાણ પાલનપુર ખાતે જીવદયાપ્રેમીઓને કરતા જીવદયા પ્રેમીઓએ ઘેટા બકરા ભરેલી ટ્રકને પાલનપુર એરોમા સર્કલ પાસે ઝડપી પાડી હતી. ટ્રકમાં તલાસી કરતાં તમામ ટ્રકમાંથી ખીચોખીચ ભરેલા ઘેટા બકરા મળી આવતા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ટ્રકને પાલનપુર તરફ ભગાડી મૂકી : ડીસા તાલુકાના રસાણા ગામ પાસેથી ગત મોડી રાત્રે ઘેટા બકરા ભરેલી ટ્રક જઈ રહી હોવાની માહિતી ડીસા તાલુકાના પૂર્વ સરપંચ ભરતભાઈ ધુંખને મળી હતી. જેથી ભરતભાઈએ ટ્રકની પાછળ પોતાની ગાડી કરી હતી. પરંતુ ટ્રક ડ્રાઇવરને પોતાની પાછળ ગાડી આવી રહી હોવાની માહિતી મળતા જ ટ્રકને પાલનપુર તરફ ભગાડી મૂકી હતી. જેથી ભરતભાઈ દ્વારા પોતાની ગાડી રસાણા પાસે ઉભી રાખી અંગેની જાણ ડીસાના જીવદયા પ્રેમી હીનાબેન ઠક્કરને કરવામાં આવી હતી.
તલાશીમાં ખીચોખીચ ભરેલા ઘેટા બકરાં મળ્યાં : હીનાબેન ઠક્કર દ્વારા તાત્કાલિક ધોરણે પાલનપુર એરોમા સર્કલ પાસે અન્ય જીવ દયાપ્રેમીઓ સાથે રાખી ટ્રક આવવાની વોચ ગોઠવી હતી. જે દરમિયાન ડીસા તરફથી આવી રહેલી ટ્રકને ઉભી રખાવતા ડ્રાઇવર મૂકી ફરાર થઈ ગયો હતો. જેથી જીવદયા પ્રેમીઓ દ્વારા ટ્રકની તલાસી લેતા ટ્રકની અંદર પાણી અને ઘાસચારાની વ્યવસ્થા વગર ખીચોખીચ ભરેલા ઘેટા બકરા મળી આવ્યા હતાં.
પશુઓને પાંજરાપોળ મોકલાયાં : જેથી જીવ દયા પ્રેમીઓ દ્વારા ટ્રકને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લઈ જઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે પશુ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધી તમામ પશુઓને ડીસાના કાંટ ગામ ખાતે આવેલ પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા. જ્યાં પોલીસની હાજરીમાં ઘેટા બકરાની ગણતરી કરતા ટ્રકમાં 147 જેટલા ઘેટા બકરા ટ્રકમાં ભરેલા હોવાનું જણાયું હતું.
અમને જીવદયા પ્રેમીઓ દ્વારા જાણ કરવામાં આવી કે કોઈ ટ્રક પશુઓ ભરીને જઈ રહી હતી અને અમે રોકાવી છે. ત્યારે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. તપાસ કરતા અંદર ઘેટા બકરા ભરેલા હતા. તેને સુરક્ષિત જગ્યાએ મોકલી આપ્યા અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે...આર. બી. ગોહિલ (પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન)
જીવદયા પ્રેમીઓમાં રોષ : આ અંગે જીવ દયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે હાલમાં હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેમ છતાં પણ રોજેરોજ મોટા પ્રમાણમાં અનેક પશુઓ કતલખાને ધકેલાઈ રહ્યા છે. ત્યારે આવા પવિત્ર માસમાં પશુઓ કતલખાને ન જાય તે માટે જીવદયા પ્રેમીઓ સક્રિય બન્યા છે અને એક બાદ એક પશુઓ ભરેલી ટ્રકો ઝડપી રહ્યા છે. ત્યારે હાલ તો કતલખાને લઈ જઈ રહેલા લોકો સામે પણ જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.
ડ્રાઇવર ગાડી મૂકીને નાસી છૂટ્યો : આ બાબતે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે અમને બાતમી મળી હતી કે એક ટ્રક ઘેટા બકરા ભરીને જઈ રહી છે ત્યારે અમે તેનો પીછો કરતા તેને ખબર પડી ગઈ હતી કે અમે તેનો પીછો કરી રહ્યા છીએ ત્યારે તેને ગાડી પાલનપુર તરફ ભગાડી હતી. ત્યારે અમે પાલનપુરના જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી તે લોકોએ પાલનપુર એરોમા સર્કલ પાસે આ ટ્રકને ઉભી રખાવતા ટ્રકનો ડ્રાઇવર ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. ત્યારે ગાડીમાં ખીચોખીચ ભરેલા ઘેટા બકરાને સુરક્ષિત જગ્યાએ મુક્ત કર્યા હતા અને ઘાસચારાની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા કરી હતી. અમે પાલનપુર પશ્ચિમ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.