બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં તાજેતરમાં જ વાવ તાલુકામાં થયેલી GRDની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમરાડ ઉઠી છે. જેમાં અન્યાયનો ભોગ બનેલા અરજદારોએ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથે વાવ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ જીઆરડીની ભરતી પ્રક્રિયા મામલે તપાસ નહિ થાય તો સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવમાં GRD ભરતી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં 100 જેટલા જવાનોની ભરતી કરવામાં આવી છે. પરંતુ આ ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. આ ભરતીમાં એક જ સમાજના લોકોને લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ થયા છે. અન્ય યુવાનો શૈક્ષણિક અને ફિટનેસમાં પણ ફિટ હોવા છતાં પણ તેઓને બાકાત કરવામાં આવ્યા છે.
ભરતી પ્રક્રિયા માટે કોઈ પણ પ્રકારની જાહેરાત કે, નિવિદા વગર જ બારોબાર ખાનગી રીતે ભ્રષ્ટાચાર આચરી ભરતી કરવામાં આવી હોવાના અરજદારોએ ગંભીર આક્ષેપો કર્યા છે. આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત અન્યાયનો ભોગ બનેલા તમામ યુવાનોએ વાવ મામલતદારને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગણી કરી છે. જો આ મામલે યોગ્ય તપાસ નહીં થાય તો સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
આ મામલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ અધિકારીઓને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા તેમજ GRDની ભરતી પ્રક્રિયામાં તટસ્થ તપાસ કરી બેરોજગાર યુવાનોને ન્યાય મળે તે માટે રજૂઆત કરી છે.