અમીરગઢઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા જેસોરના જંગલ વિસ્તારમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ બનાવ અંગે જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આદિવાસી વિસ્તાર અમીરગઢમાં મોટે ભાગે આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે.
જિલ્લામાં આત્મહત્યાના કારણો
બનાસકાંઠા જિલ્લામાં રોજ-બરોજ એક પછી એક આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં બની રહેલી મોટા ભાગની આત્મહત્યાના ઘટનામાં ક્યાંક લોકો પૈસાની ઉઘરાણીમાં આત્મહત્યા કરી રહ્યા છે, ક્યાંક દેવું વધી જતાં આત્મહત્યા કરી રહ્યા છે, ક્યાંક લોકો પોતાના જીવનથી કંટાળી આત્મહત્યા કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ સૌથી વધુ પ્રેમમાં અંધાધૂન બનેલા પ્રેમી-પંખીડાઓ આત્મહત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે.
સમગ્ર ઘટનાની વિગત
આવો જ એક આત્મહત્યાનો બનાવ બનાસકાંઠા જિલ્લાના જેસોરના જગલમાં બન્યો હતો. આ સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો અમીરગઢ પાસે આવેલા જેસોરના જંગલમાં તળેટી વિસ્તારમાં પ્રેમી પંખીડાનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શુક્રવારે બપોરના સમયે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અહીંથી પસાર થતા દુર્ગંધ આવતા જ મૃતદેહ અંગે જાણ થઈ હતી.
આ ઘટનાની જાણ કરતાં અમીરગઢ પોલીસ બનાવ સ્થળે આવી પહોંચી હતી. તપાસ કરતા ઝાડ પર દોરડા વડે ગળેફાંસો ખાઇ પ્રેમી પંખીડા આત્મહત્યા કરી હતી. તેમજ બંને મૃતદેહ કોહવાયેલી હાલતમાં જણાતા બે-ત્રણ દિવસથી આ મૃતદેહો લટકતા હોવાનું પ્રાથમિક તાપસમાં જણાઇ આવ્યું હતું. અહીં બાજુમાંથી એક બાઇક પણ મળી આવ્યું છે. હાલ, પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકના વારસોની તપાસ હાથ ધરી છે.