બનાસકાંઠાઃ જિલ્લામાં ફરી પાછું કોરોના વાઇરસે માથું ઊંચક્યું છે અને ડીસા અને પાલનપુરમાં એક જ દિવસમાં 7 જેટલા કોરોના વાઇરસ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
બનાસકાંઠામાં વધતા કોરોનાના કેસ
- બનાસકાંઠાના ડીસા અને પાલનપુરમાં એક દિવસમાં 7 કેસ નોંધાયા
- બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના 7 કેસ સામે આવ્યા
- જિલ્લામાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા 179 થઇ
- ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક થઇ રહ્યા છે વધારો
- આરોગ્ય વિભાગ દ્વારા લોકો સુરક્ષિત રહે તે માટે આપાઇ સૂચના
ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઇરસની લડાઈમાં લોકડાઉન પૂર્ણ કર્યા બાદ તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ લોકો ફરજિયાત માસ્ક, સેનેટાઇઝર અને સોસિયલ ડિસ્ટન્સ રાખે તે નિયમો અનુસાર લોકોને છૂટછાટ આપવામાં આવી છે પરંતુ લોકોને જાણે કોરોના વાઇરસની ડર ના હોય તેમ બજારો ખુલતાની સાથે જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
જેના કારણે લોકોમાં સંક્રમણ વધવા લાગ્યું અને કોરોના વાઇરસના કેસોમાં વધારો થવા લાગ્યો છે. એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોરોના વાઇરસથી બચવા માટે સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. ક્યાંક લોકો માસ્ક વગર જોવા મળે છે. તો ક્યાંક લોકો પોતાના ધંધા પર લોકોની ભારે ભીડ કરીને ઉભા રાખેલા જોવા મળે છે. આવી ભૂલોના કારણે હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસના વધતા જતા કેસોના કારણે આરોગ્ય વિભાગ માટે ચિંતાઓ ઉભી થઈ રહી છે.
હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજના 2થી 3 કેસો સામે આવી રહ્યા છે. સતત બજારોમાં વધતી ભીડના કારણે જિલ્લામાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. આજે પણ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના 7 કેસ સામે આવ્યા હતા. જેમાં પાલનપુર ખાતે 3 અને ડીસા ખાતે 4 કેસ સામે આવ્યા હતા. જેમાં ડીસાની ડાયમંડ સોસાયટીમાં રહેતા જયેશભાઇ શાંતિલાલ પાંચા, સુખદેવનગર વિસ્તારના વિદ્યાબેન શાંતિલાલ ત્રિવેદી, બ્રાહ્મણવાસ વિસ્તારના રમેશભાઈ શંકરલાલ કંસારા અને માલગઢના મનોજભાઈ ઉકાજી માળીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો હતો.
જેથી હાલ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના દર્દીઓની 179 સંખ્યા થઈ છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં 8 જેટલા કોરોના વાઇરસમાં લોકોના મૃત્યું થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકો સુરક્ષિત રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે, ત્યારે આગામી સમયમાં લોકો જાતે જ કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવતા નહીં શીખે તો આગામી સમયમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ શકે તેમ છે.