- બનાસકાંઠા જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટનામાં વધારો
- અમીરગઢ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બે બાઇક સવારોના મોત
- સતત વધતા જતા માર્ગ અકસ્માતના બનાવોને લઈને લોકોમાં ભય
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ભારે વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. વારંવાર સર્જાતા અકસ્માતમાં અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા પૂરપાટ ઝડપે ચલાવતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો જ વારંવાર સર્જાતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે તેમ છે.
અજાણ્યા વાહનચાલકે બે બાઇક સવારોને અડફેટે લીધા
અમીરગઢ પાસે ઈકબાલગઢ - કપાસીયા જતા માર્ગ પર આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બે બાઇક સવાર લોકો આ ઘાટા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે બંને યુવકોને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બંને યુવકોને બાઈક પરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકોએ ટેલિફોનિક જાણ કરતા અમીરગઢ પોલીસ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સતત વધતા જતા માર્ગ અકસ્માતના બનાવોને લઈને લોકોમાં ભય
બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માતના બનાવના પગલે હાલમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે રોજે રોજ બનતા અકસ્માતોમાં ક્યાંક લોકોએ માતા-પિતા ગુમાવ્યા છે, બહેનો ગુમાવી છે, ભાઈ ગુમાવ્યા છે.ત્યારે હાલમાં વધતા જતા અકસ્માતોના કારણે પોલીસ તંત્ર કડક થઇ વારંવાર અકસ્માત કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે તેમ છે.