રંગપુર ગામના ગ્રામજનોએ અમદાવાદ-ઉદેપુર હા.નં-8 પર સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે હાઈવે પર ચક્કાજામ કરતા હોબાળો મચી ગયો હતો. સતત વાહનોથી ધમધમતા હાઈવે પર ચક્કાજામના પગલે ટ્રાફિકજામ થતા હાઈવે પર 2 કિમી લાંબી કતારો લાગતાં વાહનચાલકોને મુશ્કેલી પહોંચી હતી. નેશનલ હાઈવે.નં-8 પર ટ્રાફિકજામના પગલે તંત્ર દોડતું થયું હતું. આમ, નેશનલ હાઈ-વેની કામગીરીના કારણે વાહનચાલકો સહિત સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ-ઉદેપુર હાઈ-વે પર શામળાજી રંગપુર સ્ટેન્ડ નજીક આવેલી શાળામાં જતા બાળકો માટે માર્ગ પર વાહનો ચલાવવા જોખમી નીવડી રહ્યા હતાં. બાળકોની સલામતીની માગ સાથે ગ્રામજનોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઓવરબ્રિજ બનાવવાની માગ કરી હતી.
ગ્રામજનોના જણાવ્યાં અનુસાર, રંગપુર ગામે આવેલી પ્રાથમિક શાળા નજીકથી હાઈવે પસાર થઈ રહ્યો હતો. પરંતુ, હાલ હા.નં-8નું ૬ માર્ગીય કરણ ચાલી રહ્યું હોવાથી હવે શાળા પરિસરમાંથી હાઈવે પસાર થશે. આ હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં બે માસુમ છાત્રોએ જીવ ગુમાંવ્યો હતો. બાળકોને જીવનું જોખમ ઉભું થતા અને ગ્રામજનો માટે પણ અકસ્માત ઝોન બની રહેતા ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની માંગણી સંતોષવામાં નહિ આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.