મોડાસાઃ રાજ્યસભાના સાંસદ અને ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી જુગલસિંહ ઠાકોર રવિવારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાની ઈસરોલ ગામે નિર્માણાધિન આંગણવાડી મકાનનું લોકાર્પણ કરવાના હતા. જેની જાણ આમ જનતાને સોશિયલ મિડીયામાં પોસ્ટર મેસેજ દ્રારા કરવામાં આવી હતી. જોકે આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ જ અજાણ હોવાથી આંગણવાડી લોકાર્પણ કાર્યક્રમ બંધ રાખવા સરપંચે કલેકટર સહીત મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના પગલે લોકાર્પણ કાર્યક્રમ બંધ રાખી સાંસદનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.
લોકાર્પણ કાર્યક્રમ રદ થતાં સન્માન સમારોહ યોજ્યો
કોરોનાના સમયમાં એક બાજુ જ્યારે તહેવારો સાદગીપુર્વક ઉજવવાની ફરજ પાડવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ નેતાઓ પોતાના કાર્યક્રમના તમામ નિયમો નેવે મુકી કરી રહ્યા છે. જિલ્લાના મોડાસાના નાની ઈસરોલ ગામે નિર્માણાધિન આંગણવાડી મકાનના લોકાર્પણનો કાર્યક્રમ એકાએક ગોઠવી રાજ્ય સભાના સાંસદ જુગલ સિંહ ઠાકોરને લોકાર્પણ માટે આમંત્રિત કરી દેવામાં આવ્યા હતા. જોકે આ અંગે ઈસરોલ ગ્રામ પંચાયતના સરપંચ ચેતનાબેન અલ્પેશભાઈ પરમારને કોઈ જાણ જ નહોતી. તેથી તેમણે કલેક્ટરને લેખિતમાં આંગણવાડી લોકાર્પણ કાર્યક્રમ રદ કરવા રજૂઆત કરી હતી.
રજૂઆતમાં તેમણે જણાવ્યુ હતું કે મકાનનું કામકાજ પરીપૂર્ણ થયું નથી અને હાલ કોરોનાની મહામારીમાં વરઘોડો કાઢી લોકાર્પણ કરવાના હોવાથી કોરોના સંક્રમણ થવાનો ભય રહેશે. તેથી કાર્યક્રમ રદ કરવામાં આવે.પરંતુ લોકાર્પણ માટે સાસંદ જુગલસિંહ ઠાકોરને આમંત્રણ આપી દીધુ હોવાથી તે ઈસરોલ ગામે પહોંચી ગયા હતાં. માટે લોકાર્પણ કાર્યક્રમ રદ રાખી સાંસદનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.