મોડાસાઃ કોરોના અંગે લોકોને જાગૃત કરાવવા અંગે કોવિડ વિજય રથ દોડાવવામાં આવી રહ્યો છે. આ વિજય રથ જ્યાં પણ પહોંચે છે તો ત્યાંના લોકોને ભવાઈના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવે છે. લોકોએ કોરોનાથી બચવા માટે કયા કયા પગલાં લેવા તે અંગેની તેમને જાણકારી આપવામાં આવી રહી છે.
બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લા બાદ અરવલ્લી જિલ્લામાં વિજય રથ ફરી ચૂક્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, વૉલ્વા, મુનશીવાડા, છીનાવાડ, નાથાવાસ, કૂંભેરા, મેઘરજ, વાસણા, કંભારોડા, જાલાની મુવાડી, નાનાવાસ, માલપુર, મોરડુંગરી, વાવડી, સુરજપૂર, મૈયાપૂર, અણિયોર, વાળિનાથ, ખલિકપુર, ઉભરણા, ગાબટ, રાડોદરા, બાયડ, વાત્રક, બીબીપુરા, અલ્વાગામ, પોયડા, કંજરી કંપા, ધનસુરા, બુટાલ, વડાગામ સહિત અરવલ્લીના વિવિધ ગામોમાં વિજય રથ ફરી ચૂક્યો છે. તેમજ સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોથી પસાર થઈ ગાંધીનગર જિલ્લામાં જનજાગૃતિ ફેલાવશે.
જોકે વિજય રથમાં આવનારા તમામ કલાકારો ભવાઈ ભજવતી વખતે સામાજિક અંતર જાળવીને પોતાની કળાની રજૂઆત કરી છે. રથ પર માર્યાદિત સંખ્યામાં માત્ર 4 કલાકારો પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક, જાદુ વગેરે દ્વારા સહજ રીતે અને સમજી શકાય તેવી હળવી શૈલીમાં જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યા છે. રથ દ્વારા કોરોના વાઇરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયે પ્રમાણિત કરેલી આયુર્વેદિક તેમ જ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી આ દવાઓ અભિયાન દરમિયાન લોકોમાં વિનામૂલ્યે પૂરી પાડવા સહયોગ આપવામાં આવ્યો છે.