અરવલ્લી: જિલ્લામાં શરૂઆતના તબક્કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધારે જોવા મળ્યું હતુ, ત્યારે આરોગ્ય વિભાગની સઘન સારવારથી 62 લોકો કોરોના મુક્ત બન્યા હોવાનું જિલ્લાના કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે શુક્રવારે કલેકટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. કોવિડ-19 અંતર્ગત જિલ્લામાં થયેલી અસરકારક કામગીરીની વાત કરતા ઉમેર્યુ હતું. યોગ્ય સારવારથી કોરોને પણ હરાવી શકાય છે, તેથી જ તો બે દિવસ દરમિયાન જિલ્લામાંથી 43 લોકોને રજા આપવામાં આવી છે. જિલ્લા કોરોનાનો રિકવરી રેટ 78 ટકા હોવાનુ પણ તેમણે ઉમેર્યુ હતું.
કોરોના વાઇરસના અત્યાર સુધી 1498 સેમ્પલ લેવામાં આવ્યા હતાં. તેમાંથી 79 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે, જેને લઇ અન્ય લોકો સંક્રમણમાં ન ફેલાય તે માટે 45 ગામ-વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે, પરંતું દર્દીઓ સાજા થતા આવા 13 ગામોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુકિત આપવામાં આવી છે, પરંતુ હાલ જે વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવે છે, તેમાં લોકોને અગવડ ન પડે તે માટે 833 લોકોને કરીયાણા કિટસ, 1190 લોકોને દૂધ-શાકભાજી તેમજ 5945 લોકોને રાશનનો જથ્થો ઘર સુધી પહોંચાડવામાં આવ્યો છે. તો જિલ્લામાં NON NFSAના કાર્ડધારકો પૈકી 64 ટકા લોકોને વિના મૂલ્યે અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે.