- અરવલ્લી જિલ્લામાં પાલિકાઓ માટે 62 ફોર્મ ભરાયાં
- જિલ્લા પંચાયત માટે 63 ફોર્મ ભરાયાં
- 6 તાલુકા પંચાયત માટે 278 ફોર્મ ભરાયાં
અરવલ્લીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી હોવાથી શુક્રવારના રોજ અરવલ્લી જિલ્લા સેવા સદન અને મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ઉમેદવારો આવી પહોંચ્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે આવેલી પ્રાંત કચેરીમાં મોડાસા નગરપાલિકા તેમજ મામલતદાર કચેરીએ તાલુકાના ઉમેદવારો આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મામલતદાર કચેરીએ ઉમેદવારોની ભીડ જામી હતી. જેમાં જિલ્લા પંચાયત માટે 63, મોડાસા પાલિકા માટે 54 અને બાયડ પાલિકા માટે 22 ઉમેદવારીપત્રો ભરાયાં છે, જ્યારે તાલુકા પંચાયત ચૂંટણી માટે મોડાસામાં 35, બાયડમાં 26 મેઘરજમાં 46, ભિલોડામાં 62, ઘનસુરામાં 46 અને માલપુરમાં 63 ઉમેદવારીપત્રો ભરાયાં છે.
કોંગ્રેસમાં હજુ પણ ટિકિટ બાબતે અસમંજસ
જિલ્લા કોંગ્રેસ દ્વારા હજુ પણ કેટલીય બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. જેમાં મોડાસા નગરપાલિકામાં ઓપન મેન્ડેટ આપવામાં આવ્યા નથી. ઉમેદવારોને ફોર્મ ભરવાનું જણાવી મેન્ડેટ છેલ્લા દિવસે આપવામાં આવશે તેવી માહિતી મળી છે. જેને લઇને હજુ પણ ઉમેદવારોમાં અસમંજસની સ્થિતિ છે.