- કોરોનાના કારણે ફરાસખાનાના ધંધા ઠપ
- મંડપ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદન આપી કરી રજૂઆત
- હજારો લોકો થયા છે બેરોજગાર
અરવલ્લી: કોરોના મહામારીના પગલે છેલ્લા એક વર્ષથી ધંધા રોજગાર પર માઠી અસર પડી છે, ત્યારે મંડપ ડેકોરશન સહિત શુભ પ્રસંગોની સાથે જોડાયેલા વ્યવસાયોમાં કામ કરતા લોકો બેરોજગાર થઈ ગયા છે. આ અંગે અરવલ્લી મંડપ ડેકોરેશન એસોસિએશને અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાની માગો રજુ કરી હતી.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં વેપાર ધંધા કાર્યરત
હજારો લોકો બેરોજગાર થયા
કોરોના મહામારીના પગલે, છેલ્લા એક વર્ષથી મંડપ ડેકોરેશન, ફ્લાવર કામ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ડીજે,બેન્ડ, સંગીત કલાકારો ફોટો તેમજ વીડિયોગ્રાફર તથા શુભ પ્રસંગો સાથે જોડાયેલા તમામ વ્યવસાયો , સરકારી ગાઇડ લાઇન મુજબ બંધ છે. જેથી આ વ્યવસાયો સાથે જોડાયેલા અસંખ્ય લોકો બેરોજગાર બન્યા છે. આ સંજોગો માં છેલ્લા બાર માસ કરતા વધુ સમયથી બંધ હાલતમાં પડેલા ગોડાઉન, પાર્ટી પ્લોટ અને લીઝ પર લીધેલ સરકારી પ્લોટના ભાડા, ઓફીસ સ્ટાફના પગારો અને કારીગર તેમજ મજૂર વર્ગના પગારો કરવા અને ઘરનું ભરણપોષણ કરવું ખૂબ જ મુશ્કેલ થઇ પડ્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ પરિસ્થિતીથી વાકેફ કરવા જિલ્લા મંડપ ડેકોરેશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.
આ પણ વાંચો : ગાંધીનગર: રાજ્યમાં વેપાર ઉદ્યોગ ઉત્પાદન પ્રવૃત્તિએ ‘કોરોના સાથે-કોરોના સામે’ જીવવાની નવી દિશા પકડી
વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યુ
મુખ્યત્વે માંગણીઓમાં સરકારી લીઝ પર રાખેલ પ્લોટ, હોલ, ગોડાઉનના નક્કી કરેલા ભાડા માફ કરવામાં આવે અને ગોડાઉન, ઓફિસ, કોર્પોરેશન નગરપાલિકા કે પંચાયતના ટેક્સ માફ કરવામાં આવે, ભાડું કે ડિપોઝિટ ચૂકવેલી હોય તો પરત કરવામાં આવે, શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં માલસામાનના ટ્રાન્સપોર્ટેશન માટે અવર જવાની પણ મંજૂરી આપવામાં આવે. કરફ્યૂની અવધિમાં પ્રસંગે સેવાઓ પૂરી પાડતા માલસામાનની હેરફેર કરવામાં છૂટ આપવામાં આવે. અને વ્યવસાય બંધ હોય વપરાયેલ વીજ યુનિટ, મીટર ભાડા,અને અન્ય વેરાઓ પણ માફ કરવામાં આવે તેવી માંગણીઓ સાથે અરવલ્લી જિલ્લા મંડપ ડેકોરેશન એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી.