- મૃતકને મૂકી રસી, પરિવાર થયો આશ્ચર્યચકિત
- મૃત વ્યક્તિએ કોરોના રસીનો બીજો ડોઝ લીધાનો આવ્યો SMS
- રવજીભાઈ 23 માર્ચ 2021એ પામ્યા મૃત્યુ, 28 મે 2021એ લીધી બીજી રસી
આણંદ : કોરોના મહામારીમાં સંક્રમણ સામે રક્ષણ મેળવવા રસી લોકોને મદદરૂપ બની રહે છે, ત્યારે તંત્ર દ્વારા રસીકરણમાં લોકોને ભાગ લેવા જાગૃત પણ કરવામાં આવે છે. આણંદમાં તંત્ર રસીકરણ માટેની એવી તો જાગૃતિ લાવ્યા છે કે, 66 દિવસ પહેલા મરણ પામેલા રવજીભાઈ પટેલે આણંદ ન એક રસીકરણ કેન્દ્ર પર રસી લીધી હતી. જેનો SMS પરિવારને મળ્યો હતો. SMS મળતા જ પરિવારને આશ્ચર્ય થયું હતું કે, પિતાજી 66 દિવસ પહેલા મૃત્યુ પામ્યા છતાં રસીનો બીજો ડોઝ લેવાનું ભૂલ્યા નથી.
આ પણ વાંચો : વાંકાનેરના લુણસર ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ રસીનો પ્રથમ ડોઝ લીધો, પરંતુ સર્ટિફિકેટ બીજા ડોઝનું મળ્યું
મૃત્યુના 66દિવસ પછી રસી મૂકાવ્યાનો આવ્યો SMS
તંત્રની કામગીર પર સવાલ ઉભા કરતો કિસ્સો આણંદમાં સામે આવ્યો છે. જેમ આણંદની એક શાળા માંથી આચાર્ય તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા રવજીભાઈ પટેલ ઉંમર વર્ષ 75 એ સરકાર દ્વારા આપવામાં આવતી રસીનો પહેલો ડોઝ 3 માર્ચ 2021એ લીધો હતો. રસી લીધા બાદ 19 માર્ચે તેઓ કોરોના સંક્રમિત બન્યા હતા અને ગણતરીના દિવસો સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ 23 માર્ચે અવસાન પામ્યા હતા. ઘરના મોભીની અણધારી વિદાયએ પરિવારને શોકમગ્ન બનાવી દીધો હતો.
આ પણ વાંચો : જો સોશિયલ મીડિયા પર વેક્સિનેશન સર્ટિફિકેટ અપલોડ કર્યું તો…
આંકડા બતાવવા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય તો તે ખૂબ શરમજનક : મૃતકના પુત્ર
રવજીભાઈના અવસાનના 66 દિવસ બાદ પરિવારને મળેલા એક SMSએ તંત્રની પોલ છતી કરી હતી. 23 માર્ચે અવસાન પામેલા રવજીભાઈ પટેલે 28 મે 2021ના દિવસે કોરોના રસીનો બીજો ડોઝ મેળવ્યો હોવાનો SMS મળ્યો હતો. જે અંગે જણાવતા રવજીભાઈ પટેલના પુત્ર ધર્મેન્દ્ર પટેલ જણાવે છે કે, જો પિતાજીના ભાગની રસી કોઈ વ્યક્તિને આપવામાં આવી હોય તો સારું છે, પરંતુ જો રસીકરણના મોટા આંકડા બતાવવા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય તો તે ખૂબ શરમજનક છે. કોઈ મૃતક વ્યક્તિ રસીનો બીજો ડોઝ લેવા કેવી રીતે આવ્યા તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી.છારીને પૂછવામાં આવતા તેમણે સમગ્ર ઘટનાથી અજાણ હોવાનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે, "ઓપરેટરથી ભૂલથી એન્ટ્રી થઈ ગઈ હશે." રસીકરણની મહત્વપૂર્ણ કામગીરીમાં આ પ્રકારની ચૂક કેટલી યોગ્ય કહેવાય અને રસી લેતી વખતે થતી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી અંગે પૂછતાં કોઈ ડોક્યુમેન્ટની જરૂર ન હોવાની જાણકારી તેમના દ્વારા આપવામાં આવી હતી.
જો આ તંત્રની ભૂલ હોય તો જવાબદાર અધિકારીઓ પગલાં લેવામાં આવે
આ સમગ્ર ઘટનામાં પરિવાર હજુ અસમંજસમાં મૂકાયો છે કે, તંત્રની લાપરવાહીએ તેમને SMS મળ્યો કે રવજીભાઈ પટેલે સાચે જ મૃત્યુના 66 દિવસ પછી કોરોના રસીકરણમાં આવશ્યક બીજો ડોઝ મૂકાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જો તંત્ર દ્વારા આપવામાં આવેલો SMS સાચો હોય તો વિશ્વમાં આ પ્રકારની ઘટના કોરોના સામે રક્ષણ આપતી રસી માટે જાગૃતિ લાવવામાં સહુથી મોટું યોગદાન આપશે અને જો આ તંત્રની ભૂલ હોય તો જવાબદાર અધિકારીઓ પર હવે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે.