- રાજ્યમાં ધોરણ 6 થી 9 નું ઓફલાઈન શિક્ષણ શરૂ
- 2 સપ્ટેમ્બરથી શાળાઓ શરૂ
- શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં એક અલગ ઉર્જાની લહેર જોવા મળી
આણંદ: રાજ્યમાં પ્રથમ કોલેજ કક્ષાએ નિર્ણયો કર્યા બાદ બોર્ડના વિદ્યાર્થીઓ માટે જરૂરી ગાઈડલાઈન સાથે શાળામાં ઓફલાઇન શિક્ષણ માટે છૂટ આપવામાં આવી હતી. જે અંગેના નિર્ણયમાં સફળ સાબિત થતા બીજી સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 9 સુધીના વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી સહિત શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં એક અલગ ઉર્જાની લહેર જોવા મળી હતી. આણંદ જિલ્લામાં ધોરણ 6થી 8 માં અંદાજીત 80,000 વિદ્યાર્થીઓ અભ્યસ કરે છે. જે અંગે માહિતી આપતા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી નિવેદિતા ચૌધરી etv bharat સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે ધોરણ 6 થી 8 ના બાળકો માટે ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તે અંગે સરકાર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓ માટે શાળાઓને સૂચિત કરી કોરોના ગાઈડલાઈનનું જિલ્લાની શાળાઓમાં ચુસ્ત પાલન થાય તે રીતે સૂચનો કરવામાં આવશે.
આ પણ વાંચો: પ્રાથમિક શાળાઓ શરુ કરવાના નિર્ણયથી અરવલ્લીમાં વાલીઓ અને બાળકો ખુશ
વર્ગખંડના શિક્ષણથી બાળકોની સમજશક્તિમાં અસરકારક પરિણામ આવે છે: નોલેજ ગ્રુપના ડિરેક્ટર
આણંદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા નોલેજ ગ્રુપના ડિરેક્ટર કમલેશ રોહિતે જણાવ્યું હતું કે, બાળકોને વર્ગખંડમાં આપવામાં આવતા શિક્ષણથી બાળકોની સમજશક્તિમાં અસરકારક પરિણામ આવે છે. સરકારના નિર્ણયને આવકારતા તેમણે શાળાઓ સંપૂર્ણ રીતે તૈયાર હોવાની જાણકારી આપી હતી. સાથે ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીના પિતા દીલિપ પટેલે પણ સરકારના નિર્ણયનો સમર્થન કર્યું હતું. ધોરણ 6 માં ભણતાં વિદ્યાર્થીના માતા બિનલ શાહે પણ ઓનલાઇન અભ્યાસમાં પડતી તકલીફથી છુટકારો મળી વિદ્યાર્થીઓ શાળામાં વર્ગખંડમાં સારી રીતે અભ્યાસ કરી શકશે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શાળામાં જ્યારે 15 જૂનથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની સરખામણીમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓની સમજશક્તિમાં ઘણો તફાવત હોય છે, ત્યારે 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલી ધોરણ 6 થી 8 ના વર્ગ શાળા સંચાલકો માટે કેટલા ચુનોતી ભર્યા સાબિત થાય છે તે જોવું રહ્યું...