દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થતા સમુદ્ર તરફથી 'વાયુ' નામનું વાવાઝોડું આજે બપોર બાદ ગુજરાત તરફ ધસી આવવાની સંભાવનાઓ હતી. જેથી ખાસ કરીને ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં વસતા સ્થાનિકોની સલામતી માટે ખાસ અગમચેતીરૂપી વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આવનાર વાયુ વાવાઝોડાથી દરિયાકાંઠા વિસ્તાર તથા નીચાણવાળા વિસ્તારના સ્થાનિકો, તેમના પશુધનને સલામત સ્થળે લઇ જવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં આવેલા દરિયા કાંઠાના વિસ્તાર વાવાઝોડાથી પ્રભાવિત થવાની સંભાવના પગલે આણંદ જિલ્લામાં પણ વાયુ વાવાઝોડાના કારણે ખંભાત, ધુવારણનો દરિયાકાંઠા વિસ્તાર પ્રભાવિત થવાની સંભાવનાના પગલે ગતરાત્રિથી જ તંત્રના વિવિધ વિભાગો તૈનાત કરાયા હતા. આ ઉપરાંત વાવાઝોડાથી સૌથી વધુ અસર પામે તેવા સંભવિત ગામોમાં અગમચેતીના પગલાં માટે ગામદીઠ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
આજે સવારથી જ ખંભાત-ધુવારણના દરિયાકાંઠા વિસ્તારમાં કલેકટર સહિતના પદાધિકારીઓ, રાહત-બચાવના સાધનો સહિતની ટૂકડીઓ પહોંચી હતી. આ વિસ્તારમાં સવારથી જ પવનની ગતિ પ્રતિકલાક 30થી 35ની રહેવા પામી હતી. બપોર સુધી પવનની ઝડપમાં વધારો થવાની શક્યતાઓ છે. ખંભાતના દરિયામાં મચ્છીમારી કરતા માછીમારોને વાવાઝોડાના પગલે દરિયો ન ખેડવા તેમજ પોતાની બોટો કિનારે લાંગરી દેવાની સુચનો કરવામાં આવ્યા હતા.
તો બુધવારના રોજ ચારેક વાગ્યાના સુમારે મોટા ફોરાં સાથે વરસાદ શરૂ થયો હતો. ખંભાત સહિત પેટલાદ પંથક, કરમસદ, આણંદમાં પણ વરસાદની એન્ટ્રી થઇ હતી. અસહ્ય બફારા વચ્ચે એકાએક વરસાદના કારણે ગરમીમાં સ્થાનિકોએ આંશિક રાહત મેળવી હતી. જો કે વરસાદથી માલસામાનને બચાવવા લારી-ફેરીયાઓ અને દુકાનદારોએ દોડધામ પણ મચાવી હતી. મળતી માહિતી મુજબ મોડી સાંજે ખંભાત દરિયા કિનારા વિસ્તારમાં પવનની ગતિ વધી હતી. આથી મોડી રાત્રિ પછી વાવાઝોડાની ગતિમાં વધારો થવાની સંભાવનાના પગલે તંત્રની તમામ ટીમો સતર્ક બની હતી. આજે દિવસ દરમિયાન કલેક્ટર દિલીપ રાણા, DDO અમિતપ્રકાશ યાદવ, ધારાસભ્ય મયુરભાઇ રાવલ સહિત અગ્રણીઓએ દરિયા કિનારાની મુલાકાત લઇને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે જ તંત્ર દ્વારા NDRFની ટીમને બચાવ-રાહતના દરેક પ્રકારના સાધનો સાથે સુસજ્જ કરીને તૈનાત કરવામાં આવી છે.