આણંદઃ કોરોના મહામારી બાદ જ્યારે દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ મંદીના કારણે પરેશાન છે, ત્યારે સાઈકલના વેચાણમાં નોંધનીય વધારો નોંધાયો છે. લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે. જેના કારણે તેઓ સાઈકલનો ઉપયોગ કરતા થયા છે. સાથે જ લોકડાઉનના કારણે આર્થિક સંકડામણને દૂર કરવા પેટ્રોલ અને ડીઝલના વાહનોને બદલે લોકો સાઈકલ ચલાવી રહ્યા છે, તેમજ કોરોનાથી બચવા માટે શારીરિક ફિટનેસ સારી રહે તે માટે લોકો સાઈકલ ચલાવવા તરફ વળ્યા છે, લોકડાઉનમાં જિલ્લામાં સાઈકલનું વેચાણ કરનારા વિક્રેતાઓને જાણે કે સિઝન ખુલી હોય તે રીતનો સુખદ અનુભવ થયો છે.
કોરોના મહામારીની રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ એન્ટ્રી થયા બાદ લોકોમાં શારીરિક ફિટનેસ પ્રત્યેની જાગૃતતામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે, જીમ સહિતના વ્યવસાય કેન્દ્ર બંધ હોવાના કારણે તંદુરસ્તી જાળવવા લોકોએ સ્પોર્ટ્સ અને ગિયરવાળી સાઈકલ ખરીદી પ્રત્યે વધુ ઝોક રાખ્યો હતો. જેના કારણે અનલોકમાં સરેરાશ એક દુકાનદારને ત્યાં 12થી 15 જેટલી સાઈકલનું પ્રતિદિન વેચાણ થઈ રહ્યું છે.
મહત્વનું છે કે, શહેરમાં સાઇકલ પ્રત્યેના વધતા લગાવમાં 35થી 45 વર્ષની વયના લોકો પણ વધુ રસ ધરાવતા બન્યા છે, તથા તેઓ સ્પોર્ટ્સ અને ગિયરવાળી સાઇકલને પ્રાધાન્ય આપી રહ્યા છે, લોકો વહેલી સવારે કે સાંજે પોતાના ઘરની નજીક ખુલ્લા પ્લોટમાં, માર્ગ પર દૈનિક સાઈકલિંગ કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલો વધારો અને અનલોકની ગાઈડ લાઈનમાં યાતાયાતના સાધનો પર લાગુ કરવામાં આવેલા નિયમોના કારણે ભાડાના વધારાથી મધ્યમ વર્ગીય લોકો પણ નોકરી ધંધે આવવા-જવા માટે સાઈકલ લઈ અપડાઉન કરવા લાગ્યા છે.
સાઈકલ ફેરવવાના અનેક શારીરિક ફાયદા વિશે માહિતી આપતા આણંદના ડૉ. અલ્પા પંડયાએ જણાવ્યું હતું કે, સાઈકલીંગ કરવાથી વ્યક્તિને શારીરિક કસરત સાથે શરીરમાં ફેફસા પણ મજબૂત થાય છે, સાથે જ વહેલી સવારે સાઇક્લિંગ કરવાથી વ્યક્તિને માનસિક તણાવમાંથી પણ મુક્તિ મળે છે અને શરીર તંદુરસ્ત રહે છે. વર્તમાન કોરોના મહામારીના કારણે જયારે નાગરિકોને સમય મળી રહ્યો છે, ત્યારે હવે લોકો સ્વસ્થ રહેવા માટે સાઇકલિંગ તરફ વળ્યા છે.
કોરોના મહામારીના કારણે જ્યારે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જાહેર કરાયેલા અનલોકમાં અર્થતંત્રને માઠી અસર પહોંચી હતી, જેના કારણે બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે, પરંતુ આ તમામ પરિસ્થિતિ વચ્ચે સાઇકલના વેચાણમાં થયેલી વૃદ્ધી કોરોનાની સાઈકલ વેચાણપર હકારાત્મક અસર સાબિત થઇ રહી છે.