ભારત દેશ વર્ષોથી પોતાની આગવી સભ્યતા અને સંસ્કારો માટે વિશ્વવિખ્યાત છે. ભારત દેશમાં આયુર્વેદનું પણ એટલું જ મહત્વ છે. પેટલાદ નગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલ અટલ ઉપવનમાં વિવિધ ઔષધિઓના 468 વૃક્ષોના છોડ લગાવવામાં આવ્યાં છે. નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા વિવિધ પ્રકારના ઔષધિય વૃક્ષો જેવા કે કાચનાર, પુત્રજીવક, અર્જુનસાદડ, હરડે, બહેડા, સિંદુર, રુદ્રાક્ષ, આમલી, પારસ, પીપળો, જાંબુ, શેતૂર, ડાભળા બદામ, અરડૂસી, લેમન ગ્રાસ, શતાવરી, અશ્વગંધા, અજમો, ગરમાળો, કદમ, ઉમરો, સીસમ, રક્ત ચંદન, રૂખડો, બીલી, અંકોલ તથા સુગોળ જેવા 30થી વધારે પ્રકારના ઔષધિય વૃક્ષઓનું વૃક્ષારોપણ બાળકોના હસ્તે કરાવવામાં આવ્યું છે. જેથી આવનારી પેઢી આ ઔષધીય વૃક્ષોને ઓળખે તથા શુદ્ધ પર્યાવરણ સાથે ભવિષ્યમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય તે માટે પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે કમર કસી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં પેટલાદ નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ દ્વારા નગરને સ્વચ્છ તથા સુંદર બનાવવા સકારાત્મક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. જેના પરિણામે સ્વચ્છતા સર્વેક્ષણ 2018માં પેટલાદ નગરપાલિકા સર્વોચ્ચ દેખાવ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પેટલાદ નગરપાલિકાએ 'એક વૃક્ષ-એક બાળક'ના સ્લોગન સાથે શહેરમાં 10, 000 વૃક્ષોનું વાવેતર કરવા બોડું ઉપાડ્યું છે. જેના ભાગરૂપે આજે નગરપાલિકાની પડતર જમીનમાં અટલ ઉપવનનાં નામે એક ઔષધિય બાગ વિકસાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આમ તો એક વૃક્ષ તેના જીવન કાળ દરમિયાન 15થી 16 લાખ રૂપિયાનો ઓક્સિજન હવામાં છોડે છે. વાતાવરણના જતનમાં પ્રત્યેક વૃક્ષનો બહુ મોટો ફાળો હોય છે. જેથી તે દરેક વૃક્ષોની સાચવણી કરવાની તમામ સજીવોની જવાબદારી બને છે. પેટલાદ નગરપાલિકા દ્વારા વિકસિત કરવામાં આવેલા અટલ ઉપવન ભવિષ્યમાં એક વિશાળ ઔષધિય વનમાં પરિવર્તન થશે. તેવી સ્થાનિકોમાં ચર્ચાએ વેગ પકડ્યો છે.