- 40માં કોન્વોકેશન કાર્યક્રમનું 6 મેના દિવસે કરાયું આયોજન
- કુલ 215 વિદ્યાર્થીઓ મેળવશે પીજીડીએમ (આરએમ)ની પદવી
- એક વિદ્યાર્થી મેળવશે પીએચડીની ડીગ્રી
- 33 વિદ્યાર્થીઓને મળશે પીજીડીએમ (આરએમએક્સ)ની પદવી
આણંદઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ સંસ્થાનો 40મો દિક્ષાંત સમારોહ 6 મે, 2021ના રોજ આણંદ ખાતે યોજાશે. આ સમારોહના મુખ્ય અતિથિ નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી છે. અતિથિ વિશેષ તરીકે કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે રાષ્ટ્રીય બેંક (નાબાર્ડ)ના અધ્યક્ષ ડો.જી.આર. ચિંતાલા ઉપસ્થિત રહેશે. COVID-19 મહામારીને કારણે 40મો પદવીદાન સમારંભ વર્ચ્યુઅલરૂપે યોજવામાં આવશે અને IRMAની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર સવારે 10:00 ક્લાકે ટેલિકાસ્ટ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ અંગે IRMAએ તેના ટ્વિટર પેજ પર પોસ્ટ મૂકીને જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો, 32 વિદ્યાર્થીઓને મેડલ્સ એનાયત
કોરોના મહામારીના કારણે કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરાયું
IRMAના કમ્યુનિકેશન વિભાગમાંથી મળતી માહિતી અનુસાર સૌપ્રથમવાર IRMAનો પદવીદાન સમારંભ ઓનલાઈન યોજવામાં આવશે. જેમાં પીજીડીએમ (આરએમ)ના 215 વિદ્યાર્થીઓ, પીજીડીએમ (આરએમ એક્ઝિક્યુટિવ)ના 33 વિદ્યાર્થીઓ અને પીએચડી(આરએમ) માંથી 1 વિદ્યાર્થી પદવી મેળવશે. ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીના કારણે જ્યારે સમગ્ર કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીને પદવી એનાયત કરશે.