આણંદઃ અડદ પાસે આવેલ વડોદ ગામની મોટી ખડકીમાં રહેતા પ્રિન્કેસ અશોકભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી હૈદરાબાદમાં પરિવાર સાથે સ્થાયી થયા હતા. એક અઠવાડિયા અગાઉ તેઓના સંબંધીના બહેનના લગ્નમાં હાજરી આપવા માટે તેઓ આણંદ આવ્યા હતાં. દરમિયાન રવિવારે તેઓ કોઈ કામ અર્થે કરમસદ ગયા હતા. સાંજના 5:00 તેઓ કરમસદથી વડોદરા તરફ પરત આવી રહ્યા હતા, ત્યારે જનતા ચોકડી પાસે આવેલ CNG પંપ સામે જ અચાનક તેના ગળાના ભાગે પતંગનો દોરો ભરાયો હતો. જેને કારણે બાઈકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં તેઓ રસ્તા પર પટકાયા હતા.
આ બનાવમાં ગળુ કપાઇ જતા લોહીલુહાણ હાલતમાં તેઓ ત્યાં જ તરફડીયા મારી મૃત્યુ પામ્યાં હતાં. બનાવને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. નોંધનીય છે કે, આ બનાવની જાણ 108ને કરવામાં આવી હતી, પરંતુ 108ને પહોંચવામાં વિલંબ લાગ્યો હતો. જ્યારે ઘટના સ્થળે જ હૈદરાબાદના યુવકનું મોત નીપજયું હતું. આ સંદર્ભે મૃતકના બનેવી અક્ષય કુમાર પટેલે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.