બોરસદ ગંભીરા માર્ગ પર દોડતા ભારે વાહનોને લઈ અવાર-નવાર જીવલેણ અકસ્માતો સર્જાવાની ઘટના તે વિસ્તારમાં સામાન્ય બની છે. વારંવાર થતા અકસ્માતોના કારણે સ્થાનિકો દ્વારા તંત્રને રોડ અંગે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ પ્રસરી જવા પામ્યો છે.
ગંભીરા રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા સ્થાનિકોએ અવાજ ઉઠાવ્યો છે. આ માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો સ્થાનિક નાગરિકો નોકરી-રોજગાર અર્થે ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે. જે આસપાસના ગામડાઓમાંથી વડોદરા જિલ્લામાં નોકરી અર્થે અપડાઉન કરતા હોય છે. આવા લોકો અકસ્માતોમાં જીવ પણ ગુમાવી ચૂક્યા છે, માત્ર 300 રૂપિયા દિવસની મજૂરી એ જતા અને 40 કિલોમીટર જેટલું અપડાઉન કરતા આ મુસાફરો જીવના જોખમે આ માર્ગ પર રોજગાર અર્થે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રની ઘોર નિંદ્રાએ 10 લોકોના ભોગ લીધા હતા. જો આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે અથવા તો કોઈ ચોક્કસ સ્પીડ લિમીટ બાંધવામાં આવે અને તેનો કડકાઈથી તંત્ર દ્વારા અમલ કરવામાં આવે તો અવારનવાર થતી આવી જીવલેણ ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તેવી વાત સ્થાનિકોમાં ચર્ચાઈ રહી છે. ઉપરથી આ માર્ગ સીંગલપટ્ટી હોવાના કારણે લગભગ 22થી 25 ફૂટ જેટલો જ પોહળાઇ ધરાવે છે અને દિવસ દરમિયાન લાખો ભારે વાહનો અહીં વડોદરા જિલ્લામાંથી આણંદ જિલ્લામાં અને આણંદ જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં યાતાયાત કરે છે.