આણંદ : વિદ્યાનગરના મોટા બજારમાં મકાન ભાડેથી રાખીને શખ્સો અમેરિકનોને લોન અપાવવાની લાલચ આપીને તેઓને છેતરતા હતા. જ્યારે ખંભાતમાંથી પકડાયેલા ત્રણ શખ્સો બ્રિટનના નાગરિકોને તેઓનો ટેક્સ બાકી છે તેવા મેસેજો કરીને જો નહીં ભરો તો જેલ થશે તેમ ધમકાવીને તેમની પાસેથી પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે. એક સાથે બે-બે બનાવટી કોલ સેન્ટર પકડાતા આણંદ પોલીસ ઉપરાંત ઉચ્ચ તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે અને સમગ્ર બનાવટી કોલસેન્ટરના મૂળ સુધી પહોંચવાની કવાયત તેજ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં આ શખ્સોએ અમેરિકા અને બ્રિટનના નાગરિકો પાસેથી માતબ રકમો પડાવી હોવાનું સામે આવ્યું છે.
આણંદ SOG પોલીસે વિદ્યાનગરના મોટા બજારમાં આવેલા હરિદ્વાર નામના બંગલામાં છાપો મારીને અમેરિકનને લોન અપાવવાની લોભામણી લાલચ આપીને તેઓની પાસેથી પૈસા પડાવતું કોલ સેન્ટર ચલાવતા ચાર શખ્સોને ઝડપી પાડ્યું હતું. તેમના પાસેથી 4 લેપટોપ, 6 મોબાઈલ સહિત કુલ 3.84 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી SOG પોલીસને બાતમી મળી હતી કે, વિદ્યાનગરના મોટા બજારમાં આવેલી રત્ના મોટર્સની પાછળના હરિદ્વાર બંગલામાં બનાવટી કોલ સેન્ટર ચાલી રહ્યું છે. જેના આધારે PI જી.એન.પરમાર તથા સ્ટાફના જવાનોએ છાપો મારતા બંગલામાંથી ચાર શખ્સો લેપટોપ તેમજ મોબાઈલ ફોન ઉપર કામ કરતા મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા તેઓ કોલ સેન્ટર ચલાવતા હોવાનું જણાવ્યું હતું. તપાસ કરતા આ શખ્સો અમેરિકાના નાગરિકોને લોન અપાવવાની લાલચ આપીને છેતરતા હોવાનું બહાર આવ્યું હતું.
તેઓની પાસેથી ચાર લેપટોપ, 6 મોબાઈલ, રાઉટર, ચાર્જરો સહિત કુલ 3.84 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે જપ્ત કરીને આઈટી એક્ટ અને આઈપીસીની જુદી-જુદી કલમો હેઠળ વિદ્યાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. PI જી. એન. પરમારના જણાવ્યા અનુસાર રાજીવ દેવીચરણ શીવહરે અને વોન્ટેડ કરણ રાવલે ભેગા મળીને એક મહિના પહેલા બંગલો ભાડેથી રાખ્યો હતો અને ત્યાં બનાવટી કોલસેન્ટર ચાલુ કર્યું હતું.
આ શખ્સોએ અગાઉથી પ્રોસેસર વોટ્સેપ ગૃપ મારફતે અમેરિકન નાગરિકોના ડેટા મેળવી લીધા હતા અને તેના આધારે ટોકટોન મોબાઈલ અપ્લીકેશન મારફતે ટેક્સ મેસેજ ડેટા ઘારકોના મોબાઈલ પર મોકલાવતા હતા. જેમાં તેઓ રિકાની કેસ એડવાન્સ અમેરિકા નામની લોન આપનારી કંપની તરફથી લોન આપવાની લોભામણી લાલચ આપતા હતા. જો કોઈ અમેરિકન લલચાઈ જાય તો તેને સ્કાઈપી મારફતે ફોન પર વાત કરતા હતા. જેમાં જે ડાયલર ફ્રી હોય તે આ કોલ રીસીવ કરીને પોતે કંપનીનો કર્મચારી હોવાનું ખોટું નામ અને સરનામું આપીને સ્ક્રીપ્ટ મુજબ વાતચીત કરતા હતા.
અમેરિકન નાગરિક લોન લેવાની તૈયારી બતાવે તો, તે સક્ષમ છે કે નહીં તે ચકાસવા માટે તાત્કાલીક ગીફ્ટ કાર્ડ જેવા કે ગુગલ પ્લે કાર્ડ, પ્લે કાર્ડ અને આઈ ટ્યુન કાર્ડને સ્કેચ કરીને તેમાં લખેલા કોડ નંબર જણાવવાનું કહેતા હતા. અમેરિકન નાગરિક તેમાં બેલેન્સ કરાવીને કોડ નંબર આપતા તેને પ્રોસેસરના વોટ્સેપ ગૃપમાં નાંખતા અને કાર્ડ રન કરાવીને પૈસા મેળવી લેતા હતા. ત્યારબાદ રાજીવ શીવહરે અને કરણ રાવલ જુદા-જુદા હવાલા મારફતે ઉક્ત નાણા મેળવી લેતા હતા. પોલીસે લેપટોપ, મોબાઈલ સહિત તમામ ચીજવસ્તુઓ FSLમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.
ત્યારે આવો એક કોલ સેન્ટર ખંભાતમાંથી પણ પોલીસે ઝડપી પાડ્યો છે. બ્રિટનના નાગરિકોને બાકી ટેક્સ બાબતે ફોન કરીને છેતરતાં ૩ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ પાસેથી લેપટોપ, 3 મોબાઈલ સહિત 85400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આણંદ SOGએ વિદ્યાનગર ખાતેથી મધ્યરાત્રીના સુમારે બનાવટી કોલ સેન્ટર પકડીને કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાં ખંભાતમાં પણ આવું જ કોલ સેન્ટર ચાલતું હોવાની માહિતી મળતા SOGની બીજી ટીમે ખંભાતના કંસારી રોડ ઉપર આવેલી મહારાજા સોસાયટીના મકાનમાં છાપો મારીને બ્રિટનના નાગરિકોને બાકી ટેક્સ બાબતે મેસેજ અને ફોન કરીને છેતરપીંડી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે કુલ ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસનો દોર હાથ ધર્યો છે. મળતી વિગતો અનુસાર SOGને માહિતી મળી હતી કે, ખંભાત-મેતપુર રોડ ઉપર આવેલી મહેશ્વરી સોસાયટીમાં રહેતા નિતેશભાઈ અરવિંદભાઈ પદમશાળીનું કંસારી રોડ ઉપર આવેલી મહારાજા સોસાયટીમાં પણ મકાન આવેલું છે જ્યાં બહારથી માણસો બોલાવીને કોલ સેન્ટર ચલાવવામાં આવે છે. જેના આધારે SOGની ટીમે બપોરના સુમારે મકાનમાં છાપો મારતા મકાનમાંથી નિતેશ અરવિંદભાઈ પદમશાળી, ડેવીડ ઉર્ફે બાબા દેવરાજ પીલ્લે અને હિતેશ ઉર્ફે જાડુ વિઠ્ઠલભાઈ રગોળીયા ઝડપાઈ ગયા હતા.
પોલીસે તેઓની પાસેથી લેપટોપ, ત્રણ મોબાઈલ ફોન, રાઉટર સહિત કુલ 85400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તેઓની પૂ઼છપરછ કરતા તેઓ બ્રિટનના નાગરિકોને બ્રિટનની HMRCના અધિકારી-કર્મચારી હોવાનું જણાવીને બ્રિટનના નાગરિકોને ટેક્સની રકમ બાકી છે, તમે ટેક્સ ભરી દો નહીં તો તમને જેલ થશે અને તમારું વોરન્ટ પણ ઈસ્યુ કરવામાં આવશે. તેમ જણાવીને એક નંબર આપી તેના પર ફોન કરો તેવો વોઈસમેલ મેસેજ કરતા હતા. બ્રિટનના નાગરિકો ફોન કરીને ટેક્સની રકમ બાકી હોવાનું જણાવે એ સાથે જ તેને ધમકાવીને ગુગલ પ્લે કાર્ડ તથા સ્ટીમ જેવા ગીફ્ટ કાર્ડના કોડ નંબર મેળવીને પૈસા પડાવી લેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મકાનમાંથી પકડાયેલા શખ્સો પોતાના ભાગીદાર અને વોન્ડેડ હિતેશભાઈ પુરેન્દ્રભાઈ વ્યાસને વાઉચરના કોડ નંબર મોબાઈલમાં મોકલી આપતા હતા. હિતેશ વ્યાસ બ્રિટનના નાગરિકોનું નામ, સરનામું, મોબઈલ નંબર, જન્મ તારીખ અને ઈમેલ એડ્રેસ મોકલી આપતો હતો. પોલીસે વધુ વિગતો મેળવીને આગળની તપાસ શરૂ કરી છે.