આણંદ જિલ્લામાં ત્રણ ગામમાં 150 કરતા વધારે પશુઓના મોત થયા છે. જે માટે અમુલ દ્વારા આપવામાં આવતા દાણને કારણે પશુઓના મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે અંગે અમુલના સત્તાધીશોને અનેક રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી પશુઓના મોત માટેના કારણો જાહેર ન કરતા પશુપાલકો દ્વારા અમુલ ડેરીની બહાર મૃત પશુઓની આત્માને શાંતિ આપવા અને તંત્ર, તથા અમુલના સત્તાધીશોને સંદેશ આપવા મૃત પશુઓનું બેસણું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
પશુપાલકો દ્વારા તેમના મૃત પશુઓના બદલામાં સત્તાધીશો પાસે બીજા પશુ આપવા વિનંતી કરવામાં આવી હતી. અમુલ દ્વારા હાલ, તો આ મુદ્દા પર કોઈજ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ પશુપાલકો માટે અમુલ દ્વારા આવનાર સમયમાં આગેવાનો સાથે મીટિંગ યોજીને યોગ્ય નિર્ણય કરી પશુપાલકોના હિતમાં કામગીરી કરવામાં આવશે. તેવી સૂત્રો દ્વારા માહિતી મળવા પામી હતી.