આણંદ પેટલાદ ખાતે આવેલી સુપ્રસિદ્ધ દરગાહ પીર હજરત હાજી અલી હૈદર વારસીનો ઉરૂસ ભારે શાનો શોકતથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુસ્લિમો સહિત મોટી સંખ્યામાં હિન્દુ બિરાદરો પણ જોડાયા હતા. દર વર્ષની પરંપરા અનુસાર ચાલુ વર્ષે પણ હઝરત વારસીનો ઉરૂસમાં હિન્દુ સમાજ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના સંયુક્ત ઉપક્રમે રંગેચંગે ઉજવણીનો કાર્યક્રમ વારસીના મઝાર પાસે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગ નિમિત્તે પેટલાદ શહેરના રહીશો દ્વારા દરગાહ ખાતે સર્વ શ્રદ્ધાળુઓ માટે આમ નિયાઝનું આયોજન કરાયું હતું. જુલુસમાં પેટલાદ શહેર ઉપરાંત સમગ્ર આણંદ જિલ્લાના દૂર-દૂરથી પધારેલા હિન્દુ-મુસ્લિમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. જુલુસ દરગાહ પર પહોંચતા સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. તે સાથે ભારે અકીદત પૂર્વક સલાતો સલામના નજરાનાની સાથે ફૂલ ચાદર તેમજ ફાતેહા પેશ કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુસ્લિમોનો ધવલ મહિનાના 18 ચાંદે ઉરૂસ ઉજવવાની પ્રથા વર્ષોથી પ્રચલિત થઇ છે. કહેવાય છે કે, અહીં રાખવામાં આવતી દરેક માનતા પૂર્ણ થાય છે. જેને લઇ શ્રદ્ધાળુઓમાં આ મઝાર પર ભરોસો અને વિશ્વાસ બનવા પામ્યો છે. જેના કારણે શ્રદ્ધાળુઓનો મેળો વાર તહેવારે લાગતો રહેતો હોય છે. હાલના સમયમાં પેટલાદની દરગાહ હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમાન બનવા પામી છે. હિન્દુ અને મુસ્લિમ એક સાથે શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવે છે.