આણંદઃ કોરોના વાઇરસને લઈ દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈ ગામેગામ તેની અમલવારી માટે રોડ રસ્તાઓ બંધ કરાવવામાં આવ્યા છે, ત્યારે તારાપુર ટાઢા હનુમાનજીથી સોજીત્રા રોડ નિકળતો રસ્તો બંધ કરેલો હતો. જેને અસામાજિક તત્વો દ્વારા આગને હવાલે કરી સળગાવવામાં આવતા સ્થાનિકોએ તંત્ર પર સવાલ ઉઠાવ્યાં હતાં.
તારાપુર ગામથી સોજીત્રા રોડ તરફ જતા રસ્તો તારાપુર આવવા જવા ઘણો સહેલો પડતો હતો, પરંતું કોરોના વાઇરસના કારણે આ રસ્તો આડા પથ્થર અને બાવળ કાંટા લગાવી બંધ કરાયો હતો અને ખેડૂતો સિવાય કોઈને તે રસ્તે જવા પર પ્રતિબંધનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું, પરંતું કેટલાક અસામાજિક તત્વોને આ ન ગમ્યું અને બોર્ડ તેમજ બાવળના કાંટાઓ સળગાવી મુકતા તારાપુર આ રોડ પરના ખેડૂતોએ વિરોધ કરી આ રસ્તો સળગાવનારા તત્વોને પોલીસ પકડી પાડે અને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માગ કરી હતી.
ખેડૂતના જણાવ્યા અનુસાર લોકડાઉન શરુ થયું ત્યારથી આ રસ્તા પર અસામાજિક તત્વોનું સામ્રાજ્ય વધ્યું હતું અને આ તેમનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટેનો સરળ રસ્તો બની ગયો હતો. આ અંગે પોલીસ અને મામલતદારને જાણ કરતા આખરે કોઈ તપાસ ન થતા આ રસ્તો ખેડૂતોએ જાતે બંધ કરી દીધો હતો. આણંદ તરફ અવર જવર વધી ગઇ હતી. જેના કારણે આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ અમુક તત્વોને તે અનુકૂળ ન આવતા આ રસ્તો સળગાવ્યાનો આક્ષેપ કર્યો હતો. જેથી લોકડાઉનનો ભંગ કરી આ રસ્તો સળગાવનારા અસામાજિક તત્વોને પોલીસ પકડી પાડે અને મામલતદાર જાતે આની તપાસ કરાવે તેવી ખેડૂતોએ માગ કરી હતી.
એક તરફ આણંદ જિલ્લામાં રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે જિલ્લામાં કોરોના હોસ્ટપોટ બનેલા ખંભાતથી નજીક આવેલા તારાપુરમાં આ પ્રકારની ઘટના બનતા તંત્રની કામગીરીઓ પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યાં છે, ત્યારે જોવું રહ્યું કે લોકડાઉનના અમલવારી માટે મુકવામાં આવેલા બેરીઅરને આગચાંપી કરનારા તત્વો પર પ્રશાસન કેવા પગલાં ભારે છે.