- આણંદ SOG પોલીસે ગાંજાનો જથ્થો ઝડપ્યો
- મૂળ ઓડિશાનો શખ્સ ગાંજાનું વેચાણ કરતો હતો
- પોલીસે 10 કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
આણંદ : છેલ્લા ઘણાં સમયથી નશીલા પદાર્થનો વેચાણ કરતા લોકો પર આણંદ પોલીસ વિભાગે લાલ આંખ કરીને ગેરકાયદેસર ચાલતા નશીલા પદાર્થના વેચાણ કરતા લોકોની ઊંઘ હરામ કરી દીધી હતી. ત્યારે આણંદ SOG(સ્પેશિયલ ઓપરેશન ગૃપ) પોલીસને બાતમી મળી હતી કે, એક પરપ્રાંતીય શખ્સ નશીલા પદાર્થોનું અવેધ વેચાણ કરે છે. જેના આધારે SOGએ ફ્લેટ પર રેડ કરીને 10.345 કિલોગ્રામ ગાંજા સાથે મૂળ ઓડિશાના રહેવાસી શખ્સને ઝડપી લઇને શહેર પોલીસ મથકે NDPS ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસ કરતા વનસ્પતિજન્ય ગાંજા જેવો પદાર્થ મળી આવ્યો
પેટ્રોલિંગ કરી રહેલી SOG પોલીસને બાતમી મળી હતી કે, ભાલેજ રોડ પર આવેલા ક્રિશ્નાકનૈયા કોમ્પલેક્ષમાં રહેતો અને નજીકમાં જ ચાઈનીઝની લારી ચલાવીને ગુજરાન ચલાવતો સચીન સ્વાલસીંગ લારીની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરે છે. પોલીસે રેડ કરતા સચીન તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. આ સાથે જ પોલીસે તેના ફ્લેટમાં તપાસ કરતા વનસ્પતિજન્ય ગાંજા જેવો પદાર્થ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : પોરબંદરમાં જ્વલનશીલ પ્રવાહી LDOનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સની ધરપકડ
FSLની ટીમ નાર્કો કીટ સાથે સચિનના ફ્લેટ પર આવી પહોંચી
સચિનના ફ્લેટમાંથી મળી આવેલા વનસ્પતિ જેવા પદાર્થનો રિપોર્ટ કરાવવા માટે FSL(ફોરેન્સિક સાયન્સ લેબ)ને જાણ કરતાં FSLની ટીમ નાર્કો કીટ સાથે સચિનના ફ્લેટ પર આવી પહોંચી હતી અને પકડાયેલો પદાર્થ ચેક કરીને તે ગાંજો જ હોવાનું જણાવ્યું હતુ. જેની કિંમત રૂપિયા 1,03,450 છે.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગાંજો ઓડિશાથી લાવ્યો હોવાની કબૂલાત કરી
આણંદ SOG પોલીસે પકડાયેલા શખ્સ પાસેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે કુલ 1,08,450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને NDPSની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. PI જી. એન. પરમારના જણાવ્યા અનુસાર ગાંજા સાથે પકડાયેલો સચીન છેલ્લા ત્રણ વર્ષથી ચાઈનીઝની લારી ચલાવીને ગુજરાન ચલાવતો હતો. પ્રાથમિક પૂછપરછમાં તે આ ગાંજો ઓડિશાથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : રાધનપુરના ધરવડી ગામે ખેતરમાંથી 6.13 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું