આણંદ : અમૂલમાં દૂધ ભરતાં પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. પશુપાલકો માટે ખુશીના સમાચાર એ છે કે અમૂલ દ્વારા પશુપાલકો પાસેથી દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ દ્વારા થયેલા ભાવવધારામાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 30નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી અમૂલ સાથે જોડાયેલા 7 લાખ પશુપાલકોની આવકમાં વધારો થશે.
11 ઓગસ્ટથી મળશે ભાવવધારો : ભાવવધારો 11 ઓગસ્ટથી લાગુ કરવાનો વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી તા. 11 ઓગસ્ટ 2023 સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રુપિયા 30નો વધારો કરવાની જાહેરાત અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે કરી છે.
આ વર્ષે પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજે 15 થી 20 ટકા જેટલો વધારો થયેલ છે. જેથી ઘાસચારા સાથે સાથે દાણના ભાવમાં પણ વધારો થવાથી પશુપાલકોને આર્થિક ભારણ વધે છે જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 30નો વધારો કરવાનો નિર્ણય કરેલ છે. જે મુજબ ભેંસ દૂધના 1.85 થી 2.16 રૂપિયા પ્રતિ લિટર તેમજ ગાય દૂધમાં 1.29 થી 1.36 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયેલ છે...વિપુલ પટેલ(ચેરમેન,અમૂલ ડેરી
પ્રતિ કિલો ફેટે 30 રુપિયા વધુ અપાશે : આણંદ સ્થિત ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ( અમૂલ ડેરી) કે જે છેલ્લા 75 વર્ષથી આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના પશુપાલકોની સહકારી સંસ્થા છે, તેની સાથે હાલના 7 લાખ કરતાં વધારે પશુપાલકો જોડાયેલા છે. અમૂલે 6 મહિનાના ટૂંકાગાળામાં સૌપ્રથમ વખત 30 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ વધારો જાહેર કર્યો છે. જેને કારણે અમૂલ ડેરીને અંદાજે 200 કરોડ રુપિયાનું વાર્ષિક ભારણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
ભેંસના દૂધના પ્રતિ કિલો ફેટે કેટલા મળશે : જાહેર થયેલા નવા ભાવ મુજબ ભેંસના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 820થી વધારી 850 આપવામાં આવશે. ઉપરોક્ત નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.