આણંદ નગરપાલિકાએ વેપારીઓને 4 વાગે વ્યવસાય બંધ કરવા કરી અપીલ
સ્વૈચ્છિક બંધના એલાન બાદ મોટાભાગની દુકાનો ખુલ્લી
કોરોના સંક્રમણ અટકાવવાની તંત્રની અપીલને વેપારીઓએ માન્ય ન રાખી
આણંદ: શહેરના બજારોમાં જામતી ભીડને અટકાવવા માટે આણંદના સરદાર ગંજ એસોસિએશન દ્વારા સોમવારથી સવારે 8થી 4 સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય જાહેર કર્યો હતો. જેમાં વેપારીઓએ સહમતિ દર્શાવી હોવાનું એસો. દ્વારા જણાવાયું હતું, પરંતુ સ્વૈચ્છિક બંધના એલાન હોવા છતાં ચાર વાગ્યા બાદ સરદાર ગંજમાં મોટાભાગની દુકાનો ખુલ્લી અને ખરીદી માટે ગ્રાહકોની ભીડભાડ પણ નજરે પડી હતી.
આણંદ સાથે વિદ્યાનગરમાં પણ પોઝિટિવ કેસો વધી રહ્યાં છે. જેથી લોકલ સંક્રમણને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જેમા સોમવારે સવારે આણંદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આણંદ શહેર અને વિદ્યાનગર રોડ પર માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરની અપીલથી તમામ વેપારીઓને સ્વૈચ્છિક રીતે બપોરે 4 વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ રાખવા જણાવાયું હતું. જો કે, કોરોના સંક્રમણ અટકાવવાની તંત્રની અપીલને પણ મોટાભાગના વેપારીઓએ માન્ય ન રાખી હોવાનું જોવા મળ્યું હતું.