પર્યાવરણની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યાં છે. જે અંતર્ગત પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વિશ્વની મિલ્ક પ્રોડક્ટની સૌથી મોટી બ્રાન્ડ અમૂલ દ્વારા પણ તેમા સહભાગી થવાની તૈયારી કરી દેવાઈ છે.
દેશમાં પ્રતિ દિન અમૂલ દૂધ અને તેની અન્ય પ્રોડક્ટની સવા લાખથી વધારે ખેલીઓ ગ્રાહકોના ઘર સુધી પહોંચે છે. જે થેલીઓ ગ્રાહકો દ્વારા કચરામાં નાખવામાં આવે છે. પરંતુ હવે અમૂલ દ્વારા આગામી દિવસોમાં રાજ્ય સરકાર સાથે મળી નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમૂલના 8000 જેટલા સ્ટોલ પર જ વિવિધ પ્રોડક્ટની ખેલીઓ એકત્રિત કરવામાં આવશે. બાદમાં આ થેલીઓને રિસાઈકલીંગ કરી તેમાંખી ઈરીગેશન પાઈપ અને તાડપત્રી જેવી વસ્તુઓ બનાવવામાં આવશે.
આ અંગે અમૂલના એમ.ડી. દ્વારા જણાવાયું છે કે, અમૂલ દૂધની પ્રતિ 500 ગ્રામની થેલીમાં 3 ગ્રામ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. જ્યારે ફૂડ પેકેટ કે ચિપ્સ અને નમકીનની થેલીઓમાં મલ્ટી લેયર પ્લાસ્ટિક વાપરવામાં આવી રહ્યું છે. જે માટે સરકારે વિચારવું જોઈએ. કારણ કે આ પ્લાસ્ટિક 55 માઈક્રોનથી પાતળું હોય છે જેથી પર્યાવરણને નુકશાન થઈ શકે છે.