આણંદ: મૂળ કરમસદના વતની અને એક સમયે અમેરિકામાં શિક્ષક તરીકે સેવા આપનારાં 90 વર્ષનાં હંસાબેન ચંદુભાઈ પટેલે,જેઓ જૈફ વયે પણ સામાજિક જીવનમાં સક્રિય રહી પોતે અમેરિકના નાગરિક હોવા છતાં 20 વર્ષથી આણંદમાં મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિ ચલાવે છે. હંસાબાએ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પ્રેરિત ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનથી પ્રભાવિત થઈને કોરોના મહામારી સામેની લડત માટે CM રાહતનિધિમાં રૂ.51 હજારનું અનુદાન આપીને જન્મભૂમિ પ્રત્યેની તેમની નિષ્ઠા અને કોરોના વૉરિયર તરીકેની જવાબદારી નિભાવી છે.
હાલ આણંદમાં રહેતા અને અમેરિકન નાગરિકત્વ ધરાવતા હંસાબા ભારતમાં ઓ.સી.આઈ. તરીકે નિવાસ કરે છે. 90 વર્ષની ઉંમરે પણ તેમનું જોમ અને જુસ્સો બિરદાવવા લાયક છે. આજે પણ શારીરિક અને માનસિક રીતે તેઓ સક્રિય છે. તેઓ માને છે કે, કોઈ પણ સારી શરૂઆત કરવામાં ઉંમરની મર્યાદા ક્યારેય નડતી નથી. એટલા માટે જ છેલ્લાં 20 વર્ષથી મહિલા ઉત્કર્ષની ભાવના સાથે આણંદ વુમન એસોસિયેશન નામની સંસ્થા ચલાવે છે. જેના દ્વારા મહિલા ઉત્કર્ષ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
હંસાબેન પટેલ લાંબા સમય સુધી આફ્રિકાના ઝામ્બિયા ખાતે વસવાટ કરી ચૂક્યાં છે. જ્યાં તેઓ તેમના પતિને વ્યવસાયમાં પણ મદદરૂપ થતાં હતાં. સમયાંતરે 2 પુત્ર અને 3 પુત્રીના પરિવાર સહિત તેઓ અમેરિકા સ્થાયી થયાં. જ્યાં તેમણે શિક્ષક તરીકે નોકરી કરી હતી અને હાલ સમયાંતરે ભારત આવતાં-જતાં રહે છે.
દરમિયાન, છેલ્લા 3 મહિનાથી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે ભારતમાં છે, ત્યારે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પ્રેરિત ‘હું પણ કોરોના વૉરિયર’ અભિયાનથી પ્રભાવિત થઈને જન્મભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવા સાંસદ મિતેશભાઈ પટેલનો સંપર્ક કરીને વતન માટે અનુદાન આપવાની તૈયારી બતાવી. પરિણામે, સાંસદની સૂચનાથી હોદ્દેદારોએ તાત્કાલિક હંસાબેનની મુલાકાત લઈ, તેમની પાસેથી રૂ.51,000/-નો ચેક ‘CM રાહતનિધિ’ માટે સ્વીકાર્યો હતો. જે બદલ સાંસદ મિતેશભાઈ પટેલે પોતાના વતન પ્રત્યે અનન્ય લાગણી દર્શાવી અનુકરણીય ઉદાહરણ પૂરું પાડનારા હંસાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે મિતેશ પટેલે આવા વરિષ્ઠ નાગરિકોની સ્તુત્ય પ્રવૃત્તિ અન્ય લોકો માટે પ્રોત્સાહનરૂપ બની રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.