આણંદ : કૃષિ યુનિવર્સિટીના 16માં વાર્ષિક પદવીદાન સમારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ, પશુપાલન, ડેરી, ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી અને બાયોએનર્જી, કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી, એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી.બિઝનેસ મેનેજમેન્ટ વિધાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 719 વિધાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે. તથા 99 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો, ચંદ્રકો તેમજ રોકડ ઇનામો એનાયત કરવામાં આવશે. વધુમાં સદર સમારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોને બેસ્ટ સાયન્ટીસ્ટ, બેસ્ટ ટીચર એવોર્ડ અને બેસ્ટ એક્ષટેન્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે.
આ સમારંભના અધ્યક્ષસ્થાને માનનીય રાજ્યપાલ ગુજરાત રાજ્ય અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત બિરાજમાન થશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના માનનીય કૃષિ મંત્રી આર. સી. ફ્ળદુ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્દબોધન કરશે. તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (કૃષિ શિક્ષણ) ડો. આર.સી.અગ્રવાલ ઉપસ્થિત રહી પદવી ધારકોને દીક્ષાંત પ્રવચન આપશે.
જ્યારે વર્ષ દરમિયાન યુનિવર્સિટીની કામગીરી અને સિધ્ધિઓની વિગતો સાથેનું સ્વાગત પ્રવચન કુલપતિશ્રી રજુ કરશે. કુલસચિવ તથા યુનિવર્સિટી અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.