અમરેલી : આખલાનો આતંક હવે લગ્ન જેવા શુભ પ્રસંગોમાં પણ અડચણરૂપ બની રહ્યો છે. વાત છે, અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આયોજિત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં બે આખલા લડતા બાખડતા સમૂહ લગ્ન મંડપમાં પહોંચી ગયા હતા. પછી અડધો કલાક જેટલા સમય સુધી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અડધો કલાક બાદ આખલાઓનું યુદ્ધ પૂરું થયા બાદ ફરીથી લગ્ન વિધિ શરૂ કરાઈ હતી. જોકે, સદનસીબે આખલાઓની લડાઈમાં કોઈ જાનૈયાને ઇજા થવા પામી ન હતી. આખલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આખલાની લડાઈએ લગ્નવિધિમાં ઉભો કર્યો વિક્ષેપ : આખલાનો આતંક અને રખડતા ઢોરની સમસ્યાના અનેક કિસ્સાઓ દૈનિક ધોરણે સામે આવતા હોય છે. ત્યારે આખલાના આતંકનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં સવારે લગ્નમંડપમાં વર અને કન્યા પક્ષના જાનૈયાઓની સાથે વરઘોડિયા પણ હાજર હતા. આવા સમયે બે આંખલાઓ લડતા બાખડતા લગ્ન મંડપમાં ઘુસી ગયા અને ત્યારે સર્જાયો અફરાતફરીનો માહોલ કર્યો હતો.
લોકો થયા ભયભીત : લગ્નમાં આવેલા જાનૈયાઓ લગ્ન ગીતની વચ્ચે આખલાના આતંકથી ભયભીત બન્યા હતા. એટલી હદે આખલાનો આતંક જોવા મળ્યો કે લગ્ન વિધિ રોકી દેવાની ફરજ આયોજન કરનાર સંસ્થાને પડી હતી. માઈક પર જાહેરાતો કરવી પડી ઝડપથી પાણી લાવો આખલાઓ લડી રહ્યા છે. આટલી હદે લગ્નમાં આખલાનો આતંક લોકોને ભયભીત કરી ગયો.
આ પણ વાંચો : Navsari Viral Video: રખડતી રંજાડ બેફામ, રસ્તા પર થતા આખલા યુદ્ધથી રાહદારીઓ સામે જીવનું જોખમ
સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ : લગ્ન મંડપમાં આખલાની લડાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લગ્નની તમામ વિધિ મુલત્વી રાખીને ધીંગાણે ચડેલા બે આખલાઓનો રોષ શાંત કરવામાં જાનૈયાઓ રીતસર લાગેલા જોવા મળતા હતા. મહિલાને પુરુષ તમામ લોકો ધીંગાણે ચડેલા આખલાનો રોષ શાંત થાય તે પ્રયાસ કરી રહ્યા હતા. વર્ચસ્વની લડાઈ લડી રહેલા બંને આખલાઓ લગ્ન મંડપમાંથી દૂર થાય તે માટેના પ્રયાસો કરતા હતા.
આ પણ વાંચો : Raghavji Patel in Morbi : મોરબીમાં રાજ્યવ્યાપી ખૂંટ આખલા ખસીકરણ અભિયાનનો પ્રારંભ
આખલાઓને બહાર કાઢવા મુશ્કેલ બન્યા : અડધો કલાક સુધી આ પ્રકારનો માહોલ લગ્ન મંડપમાં જોવા મળ્યો હતો. જેને કારણે લગ્નની વિધિને પણ અટકાવી દેવાની ફરજ પડી અને યુદ્ધે ચડેલા બંને આખલાઓને પ્રથમ લગ્ન મંડપની બહાર કાઢવાનું મુશ્કેલ કામ શરૂ થયું હતું. અડધો કલાકની ભારે જહેમત બાદ જાનૈયાઓને સફળતા મળી અને ત્યારબાદ આખલાના યુદ્ધ પછી લગ્ન વિધિ આગળ વધી.