- પરેશ ધાનાણી સ્કૂટર લઈને બજાર બંધ કરવા નીકળ્યા
- લોકશાહી દેશમાં વિરોધ કરવાનો અધિકાર છેઃ પરેશ ધાનાણી
- પોલીસ વચ્ચે થઈ તૂ તૂ મેં મેં
અમરેલીઃ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલીમાં બજાર બંધ કરાવવા માટે સ્કૂટર લઈને નીકળ્યા હતા. બજારમાં ફરીને વેપારીઓને વિનંતી કરતા હતા કે, આજે બંધ રાખો. પોલીસને ખબર પડતા પરેશ ભાઈના સ્કૂટરની પાછળ પોલીસ પડી હતી અને પરેશ ભાઈને રસ્તા વચ્ચે ઉભા રાખી દીધા હતા અને બજાર બંધ કરવા નીકળ્યા છો તેમ કહીને તેમની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ પબ્લિક ભેગી થઈ જતાં હોહો થઈ હતી, અને એકવાર તો પરેશભાઈ સ્કૂટર લઈને નીકળી ગયા હતા.
અમને અમારું કામ કરવા દો
પરેશ ધાનાણી બજારમાં ફરતા હતા, ત્યારે તેમની પાછળ પોલીસની ગાડી હતી. તેમને રોકીને તેમને બજાર બંધ ન કરાવવા કહ્યું હતું, ત્યારે પોલીસ વચ્ચે પરેશ ભાઈને તૂ તૂ મેં મેં થઈ હતી. આ લોકશાહી દેશ છે. દરેકને વિરોધ કરવાનો અધિકાર છે. હું લોકોને વિનંતી પણ ન કરી શકું?. પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે. તમે કયાં ગુનામાં રોકો છો. મેં કોઈ કાયદો હાથમાં લીધો નથી. હું એકલો રોડ પર નીકળ્યો છું. આ દેશમાં લોકોને વિરોધ કરવાનો અધિકાર છે. પોલીસ એમ કહી રહી હતી અમને અમારું કામ કરવા દો. તમે ચાલો અમારી સાથે.
પરેશ ધાનાણીની રમૂજ
પોલીસે જ્યારે પરેશ ધાનાણીનો હાથ પકડ્યો ત્યારે પરેશભાઈએ રમૂજ કરી હતી કે, મને કોરોના થયો છે. મને હાથ અડાડશો નહી. બીજી વખત પરેશભાઈએ એમ કહ્યું હતું મને હાથ અડાડો મા, મને કોરોના થશે તો કોણ જવાબદાર? હું તમારી સામે ફરિયાદ કરીશ. પરેશ ધાનાણી વારંવાર કહેતા હતા કે, હું એકલો જ છું. મહેરબાની કરીને કોઈ મને હાથ અડાડતા નહી.
સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં
તમે ગાડી આડી કરીને ટોળું ભેગુ કરાવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું નથી. પબ્લિક પોલીસને કહેતી હતી કે, જાવા દો.. જાવા દો… પોલીસના હાથમાં એકવાર છટકીને જતા રહ્યા હતા, પણ આગળ જઈને પરેશ ધાનાણીને સમજાવીને અટકાત કરી હતી અને પોલીસ તેમની જીપમાં બેસાડીને લઈ ગઈ હતી.