અમરેલીઃ કોરોના વાઇરસને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે જિલ્લામાં લોકો લોકડાઉનનું પાલન કરે તે હેતુથી જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા જિલ્લામાં તમામ હોટેલ, ફેક્ટરી, ઈનડસ્ટ્રીઝ અને ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી કે, તેઓને ત્યાં કામ કરતા બહારના મજૂરને ક્યાંય જવા દેવા નહિ અને તેમને રેહવા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપવી.
તેવી સૂચના આપવામાં આવેલી હોવા છતાં પણ જિલ્લાના 20 જેટલા વાડી માલિકો દ્વારા વાડીમાં કામ કરતા મજૂરોને તરછોડવામાં આવેલા હોવાનું ધ્યાને આવતા ધી એપેડમિક ડીસીઝ એક્ટ 1897ની કલમ 3 મુજબ તથા IPC ૨૬૯,૨૭૦ અને ૧૮૮ મુજબ રાજુલા, દામનગર, વડીયા અને અમરેલી તાલુકાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધવામાં આવી છે. વાડી માલિકો દ્વારા 100 જેટલા મજૂરોને તરછોડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તેમને જ્યાં કામ કરતા હતા ત્યાં પરત મૂકવામાં આવ્યા છે અને તેમના માલિકોને સૂચના પણ આપવામાં આવી છે કે, જ્યાં સુધી લોકડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી રેહવાં જમવાની તમામ વ્યાયસ્થા પૂરી પાડવી.