અમરેલી: લગભગ બે મહિનાના વિરામ બાદ અમરેલી પંથકમાં વરસાદની ધમાકેદાર રી-એન્ટ્રી થઇ છે. સમગ્ર જિલ્લામા વરસાદી માહોલ છવાઇ ગયો હતો. લીલીયામાં ગઈકાલે પોણો ઇંચ વરસાદ પડયો હતો. લાઠીના ગ્રામ્ય વિસ્તારમા પણ મેઘમહેર થઇ હતી. આગામી ત્રણ દિવસમા જિલ્લામા વરસાદની આગાહી કરવામા આવી છે.
કપાસ અને મગફળીનુ વાવેતર: છેલ્લા બે દિવસમા માત્ર રાજુલા અને જાફરાબાદ પંથકમા હળવો વરસાદ પડયો હતો. જિલ્લાના ખેડૂતોએ કપાસ અને મગફળીનુ વાવેતર કર્યુ છે. ચોમાસાનો આરંભ ખુબ જ સારો રહ્યો હતો અને સતત એક માસ સુધી વરસાદ વરસતો રહ્યો હોય ધરતી તરબતર થઇ હતી. તે સમયે તો ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તેવી વિનવણી કરતા હતા. પરંતુ ત્યારબાદ ચિત્ર બદલાયુ હતુ અને મેઘરાજાએ જાણે રીસાઇને વિદાય લઇ લીધી હતી.
વરસાદની રી-એન્ટ્રી: અમરેલી શહેરમા ગઈકાલે સુર્યનારાયણના દર્શન થયા ન હતા. દિવસ દરમિયાન અવાર-નવાર ઝરમર વરસાદ વરસ્યો હતો. જેથી શહેરના રસ્તા ભીના થયા હતા. જો કે લોકો અનરાધાર વરસાદ તુટી પડે તેવી આશા રાખતા હતા. પરંતુ તેવો વરસાદ થયો ન હતો. જોકે વડીયાના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જામ્યો હતો. વડીયા ખડખડ અનિડા સૂર્યપ્રતાપગઢ હનુમાન ખીજડિયા સહિતના ગામોમાં વરસાદ બાદ આજુબાજુની સ્થાનિક નદીઓ છલકાતા ડેમોમાં પણ ઘોડાપૂર આવ્યું હતું.
ક્યાં પડ્યો વરસાદ?: અમરેલીના સમગ્ર જિલ્લામાં લાંબા વિરામ બાદ બગસરામાં પંથકમાં મુંજીયાસર, રફાળા, હળીયાદ, સાપર સુડાવડ સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સરસિયા, ગોપાલગ્રામ, આંબરડી, સુખપુર, ગોવિંદપુર, ક્રાંગશા અને સરસીયા સહિત આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જાફરાબાદ શહેર અને આસપાસના દરીયા કાંઠાના રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગ્રામ્ય પંથક તેમજ રાજુલાના ખેરા ડુંગર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.