વર્ષ 2018માં કબૂતરબાજીના 7 કેસ અને 2019માં 6 કેસ નોંધાયા છે. પરંતુ, તમામ કેસમાં એજન્ટ હજુ સુધી ફરાર છે. આ તમામ આરોપીઓ પાસેથી UK, USA અને સાઉથ આફ્રિકાના વિઝા મળ્યા હતાં, ત્યારે આ તમામ કેસમાં ઉત્તર ગુજરાત અને નડિયાદનું કનેક્શન હોવાનું નકારી શકાય તેમ નથી. આંકડાકીય માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની બોગસ ડિગ્રીને આધારે અનેક લોકો એરપોર્ટ પરથી ઝડપાયા હતાં. જેમાં મોટા ભાગના લોકો મહેસાણા અને ખેડા જિલ્લામાંથી આવતા હતાં.
આ તમામ કેસમાં એજન્ટ હજુ સુધી પોલીસની પકડથી દૂર રહે છે. જેથી આ પરિસ્થિતિ સાબિત કરે છે કે, પોલીસની તપાસ ઢીલી અથવા તો નબળી છે. બોગસ ડિગ્રી અને પાસપોર્ટ બનાવવામાં પહેલા એજન્ટ ગ્રાહક પાસેથી 50 હજાર લઈને કામ શરૂ કરે છે અને કામ પૂરું કર્યા બાદ બે થી અઢી લાખ રૂપિયાનો ખર્ચો આવે છે.
અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 15 દિવસમાં 6થી વધુ લોકોને ઈમિગ્રેશન વિભાગે નકલી પાસપોર્ટ સાથે ઝડપી પાડ્યા છે. એક અઠવાડિયા પહેલા પણ વિદેશ જવાની ઘેલછાના કારણે એક વિદ્યાર્થીએ વૃદ્ધનો વેશ ધારણ કર્યો હતો જેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલમાં તો, એજન્ટોને પકડવાના ચક્રો એરપોર્ટ પોલીસે ગતિમાન કર્યા છે, ત્યારે આ મામલે મોટુ સ્કેમ બહાર આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે.