અમદાવાદ: સામાન્ય સંજોગોમાં તમે આરોપી તરીકે રીઢા ગુનેગારો કે ચોરી- લૂંટ જેવા બનાવમાં પકડાતી ગેંગને પોલીસે પકડવા મહામહેનત કરવી પડી હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ એક મહિલા વકીલની ધરપકડ કરવા બે વર્ષ નીકળી ગયા હોય તેવો કદાચ અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. કારણ કે વકીલ મહિલાએ પોતાના જ વડીલો પાર્જિત મળેલી જમીનનો બારોબાર સોદો કરી નાખતા તેમના જ પરિવારજનોએ મહિલા સામે વર્ષ 2021 માં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં માત્ર મહિલા વકીલ જ આરોપી નહીં પરંતુ તેની સાથે અન્ય સાત આરોપીઓ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આરોપી મહિલા વકીલ ગીતાબેન પટેલ વિરુદ્ધ વર્ષ 2021માં સ્ટાર બજાર પાસેની જોધપુર ગામની સીમમાં આવેલી જમીન વિવાદમાં આ ફરિયાદ દાખલ થઈ હતી.
"આ મામલે 2021માં ગુનો નોંધાયો હતો, જોકે હવે મહિલા આરોપીને ઘરેથી ઝડપી ધરપકડ કરવામા આવી છે, તેઓના ભાઈ દ્વારા જ જમીન પચાવી પાડવા અંગે ફરિયાદ કરવામા આવી હતી"-- કેતન વ્યાસ (સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ)
પોલીસે કાર્યવાહી કરી: આ મહિલા આરોપી ગીતાબેન પટેલ આમ તો વ્યવસાયે વકીલ છે. પરંતુ પોતાના જ પરિવારના જમીનના કેસમાં બારોબાર સાડા ચાર કરોડ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધાનો આરોપ લાગ્યો. જેને પગલે પોલીસ ગિરફતથી બચવા છેલ્લા બે વર્ષથી મહિલા વકીલ આરોપી ગીતાબેન પટેલ બચતા રહ્યા. આખરે કોર્ટે પણ તાત્કાલિક આરોપી મહિલાની ધરપકડ કરવા વોરંટ ઇશ્યૂ કર્યું હતું. જેને લઈ સેટેલાઇટ પોલીસે મહિલાને ઘાટલોડીયાથી તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યા. હાલમાં તેની કાયદેસરની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરી અન્ય આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપીઓની શોધખોળ: મળતી માહિતી અનુસાર ફરિયાદી અને આરોપી ભાઈ-બેન છે. પરંતુ જમીનની તકરારના કારણે આ ફરિયાદ દાખલ થતા પોલીસે કાર્યવાહી કરી હતી. મહત્વનું છે કે પોલીસને આ કેસમાં એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ દસ્તાવેજમાં ખોટી સહીઓ કરીને પુરાવાઓ ઊભા કર્યા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આરોપી વકીલ મહિલા ગીતાબેન પટેલની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.