અમદાવાદ : ગુજરાતમાં કમોસમી માવઠાની ભરમાર વચ્ચે આખો ઉનાળો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાઇકલોન સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.હજુ વધુ વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત થઇ છે. આગાહીને પગલે ફરી એક વાર અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળશે. હજુ પણ આવનારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.
વરસાદની શક્યતા : વરસાદી સીસ્ટમની સક્રિયતાની પ્રક્રિયા ઉનાળાના પ્રારંભથી જ જોવા મળી રહી છે. ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદે રમઝટ બોલાવી છે. જો કે મધ્ય અને ઉત્તરમાં કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે ગાજવીજ અને કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે હવે રાજ્યમાં ફરીથી ગાજવીજ સાથે કમોસમી વરરસાદની આગાહી કરવામાં આવી છે.
આવનારા બે દિવસ દરમ્યાન અમદાવાદ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી માવઠું સર્જાય છે, જેની અસર હજુ બે દિવસ સુધી રહેશે. આ બે દિવસ દરમ્યાન પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે અને પવન સાથે વરસાદ થઈ શકે છે. જેથી વરસાદના કારણે ફાઇનલ મેચ પ્રભાવિત થઈ શકે છે...વિજીન લાલ ( હવામાન વિભાગના ડાયરેક્ટર)
30મી મેએ વરસાદ : હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાની સાથે કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 30મી મેએ કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.
આઈપીએલ ફાઇનલ રમાશે? : ગઈ કાલે મોડી સાંજે અમદાવાદમાં ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો હતો જેને પગલે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પાણી ભરાઈ જતાં આઈપીએલની ફાઇનલ મેચ સ્થગિત કરી દેવામાં આવી હતી. હાલ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પીચ કવર કરી દેવાઈ છે. તો વરસાદને કારણે ક્રિકેટ રસિકો પણ ભારે હેરાન થઈ ગયા છે. જો કે હાલ અમદાવાદમાં વરસાદના પગલે મેચ આજે રમાડવામાં આવશે. IPLના ઓફીશીયલ ટવીટર હેન્ડલ પર આયોજકો દ્વારા ફાઇનલ મેચની માહિતી આપવામાં આવી છે.
દિવ્ય દરબાર રદ : તો વરસાદને કારણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં યોજાનારો દિવ્ય દરબાર પણ રદ કરાયો છે. ગત મોડી સાંજે ખાબકેલા વરસાદને લીધે દિવ્ય દરબારના સ્થાન ઓગણજમાં મેદાનમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. ઓગણજમાં જ્યાં કાર્યક્રમ થવાનો હતો તે ગ્રાઉન્ડ પર વ્યવસ્થા ખોરવાઈ ગઇ છે. કેટલીય જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા છે અને ત્યાંની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. જેને કારણે આજનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. દિવ્ય દરબાર માટે ભક્તો સવારથી જ અહીં પહોંચી ગયા હતાં પરંતુ દિવ્ય દરબાર રદ કરી દેવાતાં ભક્તો પણ નિરાશ થયા હતાં.