અમદાવાદ: દેશના વડાપ્રધાને લોકડાઉન દરમ્યાન ભારતના પ્રજાજનોના આરોગ્યની ચિંતા કરી આયુષ મંત્રાલય સાથે આયુર્વેદ તજજ્ઞો સાથે પરામર્શ કરી ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ સૂચવેલા ઘરગથ્થુ ઉપચારો કરવા તથા આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉપાયો સૂચવ્યા છે. જેનો મહત્તમ ઉપયોગ કરવા રાજયના આયુષ નિયામક દ્વારા જણાવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આવેલ આયુષ પ્રભાગ દ્વારા આયુર્વેદ અને હોમીયોપેથીના નિષ્ણાંતોની મદદ લઈને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ સાથે પરામર્શ કર્યા બાદ આયુષની માર્ગદર્શિકા તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવી છે.
આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાના, હોસ્પિટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજ સુધીમાં 82.56 લાખ લાભાર્થીઓને ઉકાળાનો લાભ અપાયો છે. આ જ રીતે હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ આર્સેનિકમ આલ્બમ-30નું તમામ સરકારી હોમીયોપથી દવાખાના/હોસ્પીટલ દ્વારા 52.36 લાખ લાભાર્થીઓને લાભ અપાયો છે.
આયુર્વેદ હોમીયોપેથી મેડીકલ ઓફીસર દ્વારા Covid-19 અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગ, પોલીસ ખાતાના, કલેકટર કચેરી, વિવિધ વહીવટી કચેરીઓમાં ફરજ બજાવતાં અધિકારી/કર્મચારીઓની રોગ પ્રતિરોધક શક્તિ વધારવા અમૃતપેય ઉકાળા અને હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ - આર્સેનિકમ આલ્બમ -30 સ્થળ પર જઈને આપવામાં આવે છે.
રાજ્ય સરકારના 568 આયુર્વેદ દવાખાના, 38 આયુર્વેદ હોસ્પીટલ અને 272 હોમીયોપેથી દવાખાનામાં ઉપલબ્ધ છે. આ દવાખાના/હોસ્પીટલ કયાં આવેલા છે.તેની જાણકારી માટે હેલ્પલાઈન નંબર 104 ઉપરથી જાણી શકશો તથા આયુષને લગતી તમામ માહિતી જાણવા માટે નિયામક, આયુષની કચેરી, ગુજરાત રાજયની વેબસાઈટ ayush.gujarat.gov.in પરથી પણ મેળવી શકાશે જેનો મહત્તમ લાભ લેવા રાજયના નાગરિકોને આયુષ નિયામક દ્વારા અનુરોધ કરવામાં આયો છે.