ગાંધીનગર : સમગ્ર દેશમાં અત્યારે ઠંડીનું મોજું ફરી વળી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસમાં કોલ્ડ વેવ અને વરસાદી માવઠાની આગાહી આપવામાં આવી હતી. જ્યારે ગાંધીનગરના હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી આપવામાં આવી હતી. ત્યારે આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. અણધાર્યાં વરસાદને લઇને લગ્નની સિઝનમાં જાનૈયાઓને તકલીફ પડી ગઈ હતી.
અંબાલાલની આગાહી શું હતી : ગાંધીનગરના હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળશે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠું પડશે. જ્યારે ફેબ્રુઆરી માસના અંત સુધીમાં ઠંડી યથાવત રહેશે. ત્યારબાદ દિવસે તાપમાન વધશે જ્યારે રાત્રે તાપમાનમાં ઘટાડો થશે. ફેબ્રુઆરી માસમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. જ્યારે માર્ચ મહિનામાં સરેરાશ કરતા વધુ ગરમીની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે.
આ પણ વાંચો Rain in Bhavnagar: ભાવનગરમાં ગુલાબી ઠંડી વચ્ચે માવઠું, સવારે માવઠા બાદ વાદળછાયું વાતાવરણ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ : હવામાન વિભાગની આગાહી હતી આવનારા બે દિવસ સુધીમાં ઠંડીના તીવ્ર લહેર આવશે તેવી આગાહી કરવામાં આવી હતી. પરંતુ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અચાનક જ બપોરે 12:00 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બે દિવસ પહેલા જ હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાની આગાહી આપવામાં આવી હતી. ત્યારે આજે 12:00 વાગ્યા બાદ અમદાવાદના પૂર્વ વિસ્તાર જેવા બાપુનગર ઇસનપુર ઓઢવ નરોડા મણીનગર જેવા વિસ્તારમાં વરસાદીમાં આવતું આવ્યું હતું. લગ્નગાળો હોવાના કારણે લગ્નમાં પણ મંડપ ભીના થવાને કારણે લોકોને તકલીફ પડી હતી.
જમણવારમાં વરસાદ ખાબકયો : અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્ન ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમૂહ લગ્નમાં વરસતા વરસાદમાં ભોજનની થાળીઓ સાથે મહેમાનો વરસાદથી બચવા માટે છતનો સહારો લઈ રહ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતાં. આમ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડવાથી ઠંડીમાં પણ વધારો થશે. જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાથી સોશિયલ મીડિયામાં પણ ઠંડીની સિઝનમાં રેઇનકોટ પહેરવું કે સ્વેટર પહેરવું તેવા પણ રમુજી મેસેજો વાયરલ થયાં હતાં.
આ પણ વાંચો Unseasonal rains : ઠંડી વચ્ચે માવઠાથી ધરતી પુત્રોને માથે હાથ દેવાનો વારો
અન્યત્ર પણ વરસાદ પડ્યો છે ભાવનગર શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી (Rain in Bhavnagar) રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ગત રાત્રે અને સવારે માવઠું વરસતા લોકોમાં બેવડી ઋતુનો એહસાસ થયો હતો. જિલ્લામાં દરિયાઈ પટ્ટી પરના ખેડૂતોમાં માવઠાનો પગલે પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. માવઠા બાદ પણ વાતાવરણ વાદળછાયું રહેતા ખેડૂતો ચિંતિત છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને પગલે ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું. ભાવનગર શહેરમાં ગત રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં રાત્રે અને વહેલી સવારે માવઠું વરસતા ઠંડીમાં લોકોને બેવડી ઋતુનો માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણનો પલટો કેટલાક પાકને નુકસાન કરનારો બની શકે તેવો ભય છે.