અમદાવાદ: કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. રાજ્યના અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. જો કે અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ દિશાના પવનોના કારણે ભેજના કારણે કમોસમી વરસાદ થઈ શકે છે. હાલ ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસ સુધી આ વાતાવરણના કારણે તાપમાન યથાવત રહેશે, સાથે બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે ડિસેમ્બર માસમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે. આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક જગ્યા પર સામાન્ય વરસાદ થઈ શકે છે. સાથે જ પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ શિયાળો અને ચોમાસું એમ બે ઋતુનો સમન્વય જોવા મળી રહ્યો છે. શિયાળો શરૂ થતાની સાથે જ ઠંડીની ધીમે ધીમે શરૂઆત થઈ હતી. તેવામાં માવઠાને લીધે ઠંડીમાં વધારો થતાં તાપમાનનો પારો પણ ગગડ્યો હતો અને ડબલ ઋતુને કારણે ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. સાથે જ ખેડૂતોના ઊભા પાક પણ ધોવાઈ જતાં મોટું નુકસાન થયું હતું. વીજળી પડવાથી લોકોના મોત પણ થયા હતા. ત્યારે હવે હવામાન વિભાગે માવઠાને લઈને કરેલી આગાહીને લઈને ફરી એક વાર જગતનો તાત ચિંતામાં મુકાયો છે.