- આજે અમિત શાહ અમદાવાદમાં, 900 બેડની હોસ્પિટલનું નિરીક્ષણ કરશે
- DRDO અને ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શનલ હોલમાં કોવિડ હોસ્પિટલ ઉભી થઇ રહી છે
- અમિત શાહ ગુરૂવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા
- રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની કરશે સમીક્ષા
અમદાવાદ: રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અને સરકારી તમામ હોસ્પિટલો પણ ફૂલ થઇ ચુકી છે. અને ખાનગી હોસ્પિટલોમાં ફાળવવામાં આવેલા તમામ બેડ પણ ફૂલ થઇ ચુક્યા છે. દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. કોરોના વાઇરસના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. GMDCમાં 900 બેડની કોવિડ હોસ્પિટલનું આજે નિરીક્ષણ કરશે.
સરકાર દ્વારા GMDC ખાતે 900 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે
ગુજરાતમાં કોરોના વાઇરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે વધતા જતા કેસો વચ્ચે દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગઇકાલે 22 એપ્રિલની મોડી સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. ગુજરાતમાં સૌથી વધારે સંક્રમણ અમદાવાદ શહેરમાં ફેલાયેલું છે. જેને લઇને હોસ્પિટલમાં બેડ ખુટી પડતા સરકાર દ્વારા GMDC ખાતે 900 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે
અમિત શાહ GMDC ખાતેની નવી કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કરશે
900 બેડની કોવિડ હોસ્પિટલની સમીક્ષા કરવાં માટે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદની મુલાકાતે છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમિત શાહે રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીની પરિસ્થિતિની પણ સમીક્ષા કરશે. તેમજ આરોગ્ય વિભાગ સાથે બેઠક પણ કરી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા હોસ્પિટલને આપવામાં આવી છે મંજૂરી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, અમદાવાદના GMDC કન્વેન્શન સેન્ટરમાં DRDOના સહયોગથી 900 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને રજૂઆત પણ કરવામાં આવી હતી.
DRDOના સહયોગથી ઉભી થઇ રહી છે હોસ્પિટલ
અમદાવાદના GMDCમાં આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેશનલ હોલમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે. જેથી હોસ્પિટલો પર પડી રહેલું ભારણ ઘટાડી શકાય અને વધુ સારી રીતે સારવાર આપી શકાય. આ 900 બેડની કોવિડ કેર હોસ્પિટલમાં 150 ICU બેડ હશે. જયાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ 900 બેડ પર ઓક્સિજનની સુવિધા મળશે. આશા છે કે ગુજરાતમાં વધતાં કેસની વચ્ચે આ કોવિડ હોસ્પિટલથી રાહત મળશે. ભારતમાં વધતાં કોરોના વાઇરસના કારણે DRDO દ્વારા દેશના જુદા જુદા શહેરોમાં આ પ્રકારની હોસ્પિટલો ઊભી કરવામાં આવી રહી છે.
જરૂર પડે તો વધુ 500 પથારીઓ વધારવામાં પણ આવશે
કોરોનાના કેસો બેકાબુ બની રહ્યા છે. ફેમિલીમાં એક વ્યક્તિને કોરોના આવતા અન્ય પણ સંક્રમિત થઈ રહ્યા છે. જો જરુર પડે તો વધુ 500 પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ હોસ્પિટલના સંચાલન અને વહીવટ માટે ઉપયોગી સૂચનો કર્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 900 બેડની કોવિડ હોસ્પિટલને આપાઈ રહ્યો છે આખરી ઓપ
900 બેડની કોવિડ હોસ્પિટલ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મોકલશે ડોક્ટર્સ
ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના દ્વારા અમદાવાદના GMDC સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. જેને લઈ રાજ્ય સરકારની વિનંતી પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ 900 બેડની કોવિડ હોસ્પિટલમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસમાંથી 25 ડોક્ટર્સ તથા 75 પેરામેડિકલ્સનો સ્ટાફ પણ હાલ નિયુક્ત કરવામાં આવશે.
આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે
900 બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પ ડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટ રૂમની વ્યવસ્થા પણ ઉભી કરાશે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. હિમાંશુ પંડયા અને DRDOના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે.