અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપાયેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એસ.જી હાઇવે છારોડી પાટીયા પાસેથી ઝાકીર હુસેન શેખ નામના સરખેજના યુવકની ધરપકડ કરી હતી. જેની તપાસ કરતા તેની પાસેથી 59 લાખ 48 હજારની કિંમતનો 594 ગ્રામ 800 મિલિગ્રામ એમ.ડી ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ઓટો રિક્ષા સહિત 60 લાખ 24 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તેની સામે ગુનો દાખલ કરાયો હતો.
ડ્રગ્સ પેડરોને વેચાણ: આરોપીની પૂછપરછ દરમિયાન પોતે અને તેનો ભાઈ અનવર હુસેન શેખ બંને ભેગા મળી છ મહિનાથી પાલનપુર તાલુકાના કાણોદર ગામના મનુભાઈ ચૌધરી નામની વ્યક્તિ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી અમદાવાદના જુદા જુદા ડ્રગ્સ પેડરોને વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. આરોપીઓ દ્વારા રીક્ષાનો ઉપયોગ કરી દર બે-ત્રણ દિવસે પાલનપુરથી ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવતો હતો. તે જથ્થાને પોતાના ઘરે છુપાવી રાખી અને અનવર હુસેનના જણાવ્યા મુજબ નાની-નાની પડીકીઓ બનાવવામાં આવતી હતી.
રિમાન્ડ મેળવી વધુ તપાસ: આ કેસમાં પકડાયેલા આરોપી સાથે ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓ હોય જેમાં અનવર હુસેન શેખ તેમજ મનુ ચૌધરી એ બંનેનું નામ સામે આવ્યું હતું અને ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સામેલ બંને આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા અનવર હુસેન અગાઉ ક્રાઈમ બ્રાન્ચ ઇસનપુર અને રાજસ્થાનમાં પણ ડ્રગ્સના કેસમાં પકડાયેલો હોવાનું સામે આવ્યું છે. જ્યારે મનુ ચૌધરી વર્ષ 2014માં રાજસ્થાનમાં પિંડવાડા પોલીસ સ્ટેશનમાં 10 કિલો અફીણના કેસમાં પકડાયો હોય અને તેને 12 વર્ષની સજા થઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.