અમદાવાદઃ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીનાં રોજ અમદાવાદ મુલાકાતે આવવાના છે. જેના પગલે અમેરિકન સિક્રેટ સર્વિસનાં 18 જેટલા અધિકારીઓએ રવિવારનાં રોજ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. મોટેરા સ્ટેડિયમ ખાતે આવેલી 5 ગાડીઓ પૈકી એક મોટી ગાડીમાંથી 10 યુએસ અધિકારી તેમજ અન્ય 8 એમ 18 અધિકારીઓ આવ્યાં હતા. જેઓએ મોટેરા સ્ટેડિયમની અંદર તેમજ બહારની સાઈડથી સઘન ચેકિંગ કર્યું હતુ. ત્યારે, સોમવારે અમદાવાદ એરપોર્ટ પર યુએસથી ટ્ર્મ્પ પ્રવાસ માટેનો સામાન લઇને એક હરક્યુલસ પ્લેનનું પણ ઉતરાણ થયું છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે એક કાર પણ તૈયાર કરવામાં આવી છે.
અમેરિકન સિક્રેટ સર્વિસનાં 18 જેટલા અધિકારીઓએ રવિવારનાં રોજ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતનાં વડાપ્રધાન 24મી તારીખે અમદાવાદ આવવાના છે. તે પહેલા તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે ડેલીગેશનનું પહેલુ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. જેમાં સુરક્ષા સાધનો અને ડેલીગેશનનો જરૂરી સામાન અમદાવાદ એરપોર્ટ પરના કાર્ગો પર ઉતારવામાં આવ્યો હતો. આ કારની નંબર પ્લેટ પર પણ 'યુએસ ગવર્મેન્ટ ફોર ઓફિશિયલ યુઝ ઓન્લી' લખવામાં આવ્યું છે.
સનાઇપર અને ફાયર સેફટી સિસ્ટમ અને સ્પાય કેમેરા સહિતની સામગ્રીઓ આ પ્લેનમાં હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. નોંધનીય છે કે, ટ્રમ્પની સુરક્ષા માટે એસપીજી - એનએસજી કમાન્ડો, અમેરિકી સિક્રેટ સર્વિસનાં ગાર્ડ તેમજ સ્થાનિક પોલીસનો સમાવેશ થાય છે. કંટ્રોલ રૂમ ડીસીપી વિજય પટેલના જણાવ્યા અનુસાર, 24 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રમુખનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરશે.એરપોર્ટથી તેઓ તાજ સર્કલ, શાહીબાગ ડફનાળા, શીલાલેખ, આરટીઓ થઇને ગાંધી આશ્રમ જશે. ટ્રમ્પ-મોદીના સમગ્ર કાર્યક્રમ અને રૂટ પર 4 જગ્યાએ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.