- 14 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે તેજસ ટ્રેન
- કોરોના કાળમાં ઓછા પેસેન્જર મળતા તેજસને બંધ કરાઈ હતી
- તેજસમાં કોરોના ગાઇડલાઇનનું કરાશે પાલન
અમદાવાદ : સુપ્રસિદ્ધ તેજસ એક્સપ્રેસ 14 ફેબ્રુઆરીથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે ફરીથી દોડવા જઈ રહી છે. કોરોના કાળમાં સાત મહિના બાદ છેલ્લે તેજસ ટ્રેન 17 ઓકટોબરે શરૂ કરવામાં આવતી હતી, પરંતુ કોરોનાના કારણે પ્રવાસીઓ તરફથી નબળો પ્રતિસાદ મળતા, તેને થોડા સમય બાદ બંધ કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને ચાર મહિના બાદ ફરીથી શરૂ કરવામાં આવી છે.
સુરત અને મુંબઈના પેસેન્જર્સ બુકિંગ કરાવી શકશે
અમદાવાદથી 14 ફેબ્રુઆરીએ સવારે 06:40 કલાકે આ ટ્રેન બપોરે 1:30 મુંબઈ પહોંચશે. આ ટ્રેન માટે અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરતમાં પેસેન્જર્સ પણ બુકિંગ કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે, અન્ય રૂટ પર દોડતી તેજસમાં અનેક સુવિધાઓ વધારવામાં આવેલી છે. જોકે ટ્રેનમાં કોરોનાને લઈને બનવવામાં આવતા નિયમો પાળવામાં આવશે. અત્યારે પ્રવાસીઓ તરફથી ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
IRCTCની સાઈટ પર કરી શકાશે બુકિંગ
આરામ દાયક ટ્રેનની આ પ્રવાસીઓ માટે IRCTC દ્વારા રેલવેની વેબસાઈટ પર તેનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. પ્રવાસીઓને આ ટ્રેનમાં તમામ પ્રકારની સુવિધા સાથે વીમાની સુવિધા પણ ઉપલબ્ધ છે. પ્રવાસીઓએ નિર્ધારિત સમયના એક કલાક પહેલાં સ્ટેશન પહોંચવું હિતાવહ છે.