અમદાવાદ: ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા મોટાપાયે ખેલ મહાકુંભ અને રમશે ગુજરાતના આયોજન કરવામાં આવી રહ્યા છે. નવયુવાનો રમત ક્ષેત્રે આગળ વધે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ખેલ મહાકુંભ અને ગુજરાતની કથની અને કરણીમાં અનેક ભેદો જોવા મળી રહ્યા છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાંચ દેશો વચ્ચે રમાયેલ બ્લાઇન્ડ વર્લ્ડકપમાં પાકિસ્તાનને પરાજિત કર્યા બાદ વિજય પ્રાપ્ત કરેલો ખેલાડી નરેશ તુમડા આજે શાકભાજી અને ખેતમજૂરી કરવા મજબૂર બન્યો છે. અભ્યાસ કરવો છે, પરંતુ આર્થિક પરિસ્થિતિ યોગ્ય ન હોવાના કારણે આજે સરકાર સામે પોતાની ગુહાર લગાવી રહ્યો છે.
બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં ભારતને વિજય પ્રાપ્ત કરાવનાર વાસંદાના ખેલાડી આજે અભ્યાસ માટે સરકાર સામે ગુહાર લગાવી રહ્યો છે. વાસંદા તાલુકાના ખાટાઆંબા ખાતે આવેલ ગરીબ ઘરનો દીકરો નરેશ તુમડા એક આંખે જોઇ શકતો નથી. પરંતુ તેના ધ્યેય માટે થઈ તેઓ શરૂઆતથી જ ક્રિકેટ ક્ષત્રે આગળ વધી રહ્યા હતા. પરિવાર ગરીબ અને સામાન્ય હોવાથી અભ્યાસની સાથે સાથે તેઓએ ક્રિકેટ રમવાનું પણ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેને સ્થાનિક કક્ષાએ બાદમાં રાષ્ટ્રીય કક્ષાએ પોતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.
જેમાં નરેશ તુમડાના એવોર્ડની વાત કરીએ તો 30 અલગ અલગ એવોર્ડ 10 મેડલ અને 20થી વધુ સન્માન પત્ર મેળવી ચૂક્યો છે. તેને ઘણી બધી મહા સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે, તેને દુબઈ, શ્રીલંકા જેવા સ્થળે જઇ ભારતનું નામ રોશન કર્યું છે. ભારતમાં રમાયેલા શહેરોમાં મુંબઇ, ગોવા, દિલ્હી, કોલકાતા વગેરે શહેરોમાં ક્રિકેટ રમીને વિજય પ્રાપ્ત કરાવેલું છે. પરંતુ હવે તેની હાલત ખૂબ જ કફોડી બની છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા બાદ તેને જે સ્થાન મળવું જોઈએ તે સ્થાન ન મળતાં આખરે તે નિરાશ જોવા મળી રહ્યો છે. જેને લઇ હવે તેણે નવસારીમાં શાકભાજી અને ખેતી કરવાનું શરૂ કર્યું છે.
નરેશ તુમડાએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજ્યપાલને પણ ભલામણો કરી હતી, પરંતુ તેમને ન્યાય મળ્યો નથી. તેની એક જ અપીલ છે કે, તેઓને કોઇ પણ પ્રકારની નોકરી નથી જોઈતી. માત્ર તેને અભ્યાસ કરવો હોવાથી તેને અભ્યાસ કરવા માટે આર્થિક મદદ કરવામાં આવે. પરંતુ હજી સુધી તેઓ સતત સરકારમાં માંગણી કરી રહ્યો છે. ત્યારે હવે સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો ન્યાય આપવામાં ન આવતા સરકારના ખેલ મહાકુંભની કડવી વાસ્તવિકતા પ્રસ્થાપિત થઇ રહી છે.