અમદાવાદ : ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી સામાન્ય સભા બાદ 25 તારીખે એટલે કે છ મહિનાના સમયગાળા બાદ ફિઝિકલ સભા મળવા જઈ રહી છે. તેવામાં આ સામાન્ય સભામાં સામેલ થતા પહેલા કાઉન્સેલરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
શાસક પક્ષના નેતા, વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટરોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતા. જે કોર્પોરેટરનો રિપોર્ટ પોઝિટિવ આવશે, તે સામાન્ય સભામાં ઓનલાઈન પણ જોડાઈ શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે આયોજિત થનારી સામાન્ય સભા કોર્પોરેશનની ઓફિસ નહીં, પરંતુ ટાગોર હોલ ખાતે યોજાવવાની છે.
ગુરુવારના રોજ કુલ 62 કોર્પોરેટરોએ RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં ગુરુવારે ખાડિયાના કોર્પોરેટર મયુર દવે, હૉસ્પિટલ કમિટિ ચેરમેન દેવાંગ દાણી, ખાડિયાના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, વિપક્ષ નેતા દિનેશ શર્મા અને સુરેન્દ્ર બક્ષી વગેરે કોર્પોરેટરોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. વિપક્ષના નેતા દિનેશ શર્માએ સામાન્ય સભામાં રોડ રસ્તાની સમસ્યા તેમજ કોરોનાના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાના પ્રશ્નો ઉઠાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સામાન્ય સભામાં ભાગ લેતા પહેલા તમામે ટાગોર હોલ ખાતે કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવાનો રહેશે. જે કાઉન્સિલર મિટિંગમાં ઓનલાઇન હાજર રહેવા માંગતા હોય તેમને 24 સપ્ટેમ્બરે સાંજે 5 કલાક પહેલા મેયર ઓફિસમાં પોતાનો નંબર લખાવી અગાઉથી જાણ કરવાની રહેશે.