અમદાવાદઃ હાલમાં વિશ્વની સાથે-સાથે દેશ અને આપણા ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તો બીજી તરફ દિવસેને દિવસે ગરમીના પારામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે આ તમામની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવનારા દિવસોમાં કમોસમી વરસાદના કારણકે ગરમીમાં થોડી રાહત મળી શકે છે. પરંતુ આ રાહત અનેક ખેડૂતોને નુકસાન કરી શકે છે.
ગુજરાતમાં આગામી સમયમાં કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ પહેલા ગુજરાત હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ પહેલા આગાહી કરવામાં આવી હતી કે, આવનારા દિવસોમાં ગરમીનો પારો વધશે. જે અત્યાર સુધીમાં સતત વધતો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પાછલા એક મહિનાથી લૉકડાઉનમાં લોકોની મુશ્કેલીઓમાં અનેક વધારો થયો છે. તેવામાં ગરમીના વધેલા પારાના કારણે પણ લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. તો બીજી તરફ રમઝાન ચાલી રહ્યું હોવાના કારણે મુસ્લિમ બિરાદરો પણ અસહ્ય ગરમીના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કેટલાક લોકોને રાહત સમાન બની શકે છે. તો ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે.