જો કે, ટેકનિકલ કાઉન્સિલને UGC સાથે મર્જ કરવાનો અનેક સંચાલકો અને શિક્ષણવિદ્દોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેથી આ મુદ્દે કેટલાક સંચાલકોએ સુપ્રીમ કોર્ટમા પીટીશન પણ દાખલ કરી હતી જેમાં તેમણે આ નિર્ણય પર રોક લગાવવા જણાવ્યુ હતુ. જેથી ટેકનિકલ શિક્ષણ જગતમાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકાર દ્વારા UGC અને AICTEને મર્જ નહીં કરવાનો નિર્ણય કરાયો છે. એટલે કે, હવે બન્ને સંસ્થા પોતાની રીતે અત્યાર સુધી જે રીતે કામગીરી કરતી હતી તે પ્રમાણે જ કરશે. જો કે, UGCમાં અત્યાર સુધીની કામગીરી જુદા જુદા સાત પ્રાદેશિક કેન્દ્રો દ્વારા કરવામાં આવતી હતી. સમગ્ર દેશની જુદી જુદી યુનિવર્સિટીઓએ ગ્રાન્ટ, ફેલોશીપ, જોડાણ સહિતના જુદા જુદા પ્રશ્નો માટે UGCની મુખ્ય ઓફિસે જવાને બદલે પ્રાદેશિક કેન્દ્રો પરથી જ કામગીરી થઇ જતી હતી.
સૂત્રો કહે છે છેલ્લા કેટલાય સમયથી પ્રાદેશિક કચેરીઓમાં અગાઉ જે કામગીરી થતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે સંચાલકો, પ્રોફેસરોએ હવે નછૂટકે યુજીસીની મુખ્ય ઓફિસ સાથે કામગીરી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. ગુજરાતની યુનિવર્સિટી અને કોલેજોએ પ્રાદેશિક કચેરી પુના ખાતે જવું પડતું હતું. કેટલાક સંચાલકોએ આ મુદ્દે યુજીસીમાં રજૂઆત કરવાની તૈયારી પણ શરૂ કરી છે.