અમદાવાદ: શહેરના મોટાભાગના મંદિરમાં રાત્રે મંદિરના પૂજારીઓ ભગવાનનો જન્મવિધિ કરશે, પણ ભક્તો હાજર નહિં રહી શકે. ચાલુ વર્ષે કોરોના ગ્રહણ વચ્ચે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડના કાર્યક્રમો ન કરવાનો સ્વૈચ્છીક નિર્ણય અનેક મંડળોએ લીધો છે.
આ સિવાય શહેરના મોટાભાગના મંદિરમાં હાલમાં ભકતોના પ્રવેશ પર પાબંધી મૂકી દેવાઈ છે. ત્યારે, હવે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો માહોલ પણ ફિક્કો દેખાશે. ભગવાન કૃષ્ણની સજાવટ માટેના વાઘાનું બજાર ઠંડુ દેખાઈ રહ્યું છે. બીજી બાજુ દરેક મંદિરે કૃષ્ણ જન્મોત્સવ રદ કરવાની જાહેરાત કરી છે. કોરોનાની મહામારીને કારણે મંદિરોમાં જન્મોત્સવમાં ન ઉજવાય તે માટે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો દ્વારા શહેરમાં આવેલા મંદિર, દેરાસર, ચર્ચ સહિત તમામ 469 ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈ સંચાલકો અને વહિવટકર્તાઓને કોરોનાની SOPની સમજ આપી હતી. આ મામલે દરેક મંદિરે હકારાત્મક અભિગમ અપનાવી કૃષ્ણ જન્મોત્સવ રદ કરવાની જાહેરાત કરી હતી.